કોરોના સામે એએમસી એલર્ટઃ નાગરિકો માટે એન્ટીજન રેપિડ ટેસ્ટ શરૂ
અમદાવાદીઓને કોરોનાથી બચાવવા તંત્રના તમામ ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાશે
અમદાવાદ, ચીનમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. ચીનમાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં વિશ્વના જાપાન સહિતના અન્ય કેટલાક દેશમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે, જેને કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને માસ્ક પહેરવાની સલાહ અપાઈ છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ઉપર પણ ચાંપતી નજર રખાઈ રહી છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં ગત નવેમ્બરમાં બીએફ.૭ સબ-વેરિઅન્ટનો એક કેસ નોંધાયો હતો. જાેકે આ ૫૭ વર્ષીય દર્દી સાજા થઈને વિદેશ પણ ચાલ્યા ગયા છે.
તેમના સંપર્કમાં આવનારાના કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જાેકે કોરોના સામે મ્યુનિસિપલ સત્તાવાળાઓ એલર્ટ થયા છે. મ્યુનિ. હેલ્થ વિભાગ લોકોને આશ્વસ્ત કરતાં કહે છે કે કોઈએ કોરોનાથી ડરી જવાની જરૂર નથી. આની સાથે જે કોઈ નાગરિક કોવિડ ટેસ્ટ કરાવવા ઈચ્છતા હશે તો તેમના માટે તંત્ર સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં આજતી તત્કાળ કોરોનાનું નિદાન કરનારો એન્ટીજન રેપિડ ટેસ્ટની મફત સુવિધા શરૂ કરાઈ છે.
અમદાવાદમાં લગભગ બે વર્ષ પહેલા માર્ચ-૨૦૨૦માં ઘાતકી કોરોનાનો માઠો અનુભવ થયો હતો. અમેરિકાથી આવેલી એક મહિલામાં કોરોનાનાં લક્ષણ દેખાયાં હતાં. ત્યાર બાદ બ્રિટનથી આવનારી યુવતી પણ કોરોનાગ્રસ્ત થઈ હતી. માર્ચના અંતિમ અઠવાડિયામાં શહેરમાં કોરોનાએ પગદંડો જમાવ્યો હતો. ત્યાર બાદના એપ્રિલ-૨૦૨૦ અને મે-૨૦૨૦ના સળંગ બે મહિના કોરોનાને વધુ ફેલાતો અટકાવવાના ઉપાય તરીકે રાષ્ટ્ર વ્યાપી લોકડાઉનના હતા.
કેન્દ્ર દ્વારા તા.૧ જૂન-૨૦૨૦થી રાષ્ટ્રવ્યાપી લોકડાઉમાં વિવિધ સ્તરે અનલોકની જાહેરાત કરાઈ હતી. જાેકે કોરોનાની આ ફર્સ્ટ વેવ અમદાવાદીઓ માટે ઘાતક નીવડી હતી. ત્યાર બાદ એપ્રિલ-૨૦૨૧માં આવેલી કોરોનાની સેકન્ડ વેવ તો શહેરીજનોને હોશકોશ ઉડાવી દેનારી બની હતી. સેકન્ડ વેવમાં કોરોના વધુ જીવલેણ બન્યો હતો અને અનેક ઘરોમાં હાહાકાર મચાવી દીધો હતો. જાન્યુઆરી-૨૦૨૨માં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું હતું, પરંતુ વેક્સિનેશનના કારણે કોરોનાની થર્ડ વેવના પ્રકોપથી લોકોનો બચાવ થયો હતો.
કોરોના મહામારી પ્રકોપ વચ્ચે મ્યુનિ. તંત્ર દ્વારા દર્દીઓ માટે એન્ટીજન રેપિડ ટેસ્ટ, આરટી-પીસીઆર ટેસ્ટ, એચઆરસીટી ટેસ્ટ, કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિલટ, ધન્વંતરિ અને સંજીવની રથ જેવી સેવા પૂરી પડાઈ હતી. સમરસ હોસ્ટેલ ખાતે એશિયાનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હતું કે જ્યાં ૨૦૦૦ જેટલા એસિપ્ટોમેટિક દર્દીઓની સારવારની સુવિધા ઉપલબ્ધ હતી. મ્યુનિ. તંત્રના હેલ્થ વિભાગ સહિતના સ્ટાફના દિવસ-રાતના પરિશ્ચમથી કોરોનાકાળ વખતે સેંકડો મહામૂલી જિંદગીઓને કાળના ખપ્પરમાં હોમાતી બચાવી લેવાઈ હતી. હવે જ્યારે કોરોનાનો ભય નવેસરથી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે તેવા સંજાેગોમાં મ્યુનિ. હેલ્થ વિભાગ ફરીથી તેની સામે લડત આપવા માટે સાબદો બન્યો છે.
મ્યુનિ. હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીને કોરોનાથી બચવા માટે તંત્રે હાથ ધરેલા ઉપાયો અંગે પૂછતાં તેઓ કહે છે, આજથી તંત્ર સંચાલિત તમામે તમામ ૮૦ અર્બન હેલ્થ સેન્ટરમાં નાગરિકો માટે અગાઉની જેમ મફતમાં એન્ટીજન રેપિડ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જ્યાં કોઈ પણ નાગરિક ઈચ્છશે તે વખતે તેમનો કોવિડ ટેસ્ટ કરી આપવામાં આવશે, આ માટે જે તે અર્બન હેલ્થ સેન્ટર પર પૂરતી સંખ્યામાં રેપિડ ટેસ્ટની કિટ ઉપલબ્ધ કરાઈ છે.
દરમિયાન આજથી શહેરની કેટલીક ખાનગી શાળાઓમાં ભણતાં બાળકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના સમયમાં તેનાથી ભયભીત થયેલા લોકો માટે હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં ૧૫૦થી વધુ કોરોના ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા હતા, જ્યાં સેંકડો લોકો પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવા લાંબી લાઈનમાં ઊભા રહેતા હતા.