Western Times News

Gujarati News

AMC: પંખા, એસીનું વાર્ષિક લાઈટ બીલ રૂ. ૩૮ કરોડ: પ્રજાના પૈસાનો ધુમાડો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં દર વર્ષે વાર્ષિક બજેટ સમયે કરકસરની વાતો થાય છે પરંતુ આ કરકસર માત્ર કાગળ પર જ રહે છે. કારણ કે અધિકારીઓ અને પદાધિકારીઓનો વૈભવ રાજ રજવાડાઓની યાદ આપી જાય તેવો છે.

જેના કારણે મ્યુનિ. કોર્પોરેશનની તીજોરી પર અનેક પ્રકારના બીન જરૂરી ખર્ચનો બોજ આવે છે. ખાસ કરીને લાઈટને લગતી બાબતોની વાત કરવામાં આવે તો તંત્ર માત્ર પંખા, એસી, અને ટયુબ લાઈટ પાછળ દર વર્ષે રૂ.૩૮ કરોડનું બીલ ચુકવે છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વહીવટ તંત્રનું વિકેન્દ્રીકરણ કર્યાં બાદ પ્રજાને કોઈ મોટો ફાયદો નથી પરંતુ પ્રજાના રૂપિયાનો ધુમાડો જરૂર થઈ રહયો છે. વોર્ડ કક્ષાએથી શરૂ કરી અને મુખ્ય કાર્યાલય સુધી બેરોકટોક ખર્ચા થઈ રહયા છે તેના પુરાવા આ ઓફિસોમાં લગાવેલ ઈલેકટ્રોનીક ઉપકરણો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સાત ઝોન અને મધ્યસ્થ કાર્યાલયની ગણતરી કરીએ તો ૪૪ હજાર જેટલા પંખા અને ૧૧ હજાર જેટલા એરકંડીશનર લગાવવામાં આવ્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે સાહેબો ઓફિસમાં હોય કે ન હોય પરંતુ એસી અને લાઈટો સતત ચાલુ રહેતા હોય છે. ભુતકાળમાં આ અંગે અનેક પરિપત્રો થયા છે પરંતુ તેનો ક્યાંય પણ અમલ થતો નથી.

મ્યુનિ. કોર્પોરેશનની સબ ઝોનલ ઓફિસોમાં પણ ઈલેકટ્રીક ઉપકરણોનો સતત ઉપયોગ થઈ રહયો છે જેના કારણે જ અહીં સબઝોનલ ઓફિસોમાં પણ દર વર્ષે લાખોની રકમમાં બીલ આવી રહયા છે. આ ઉપરાંત ૧૦ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર વર્ષે રૂ.ર૦ લાખ જેટલું લાઈટ બીલ આવે છે.

મ્યુનિ. કોર્પોરેશનના ઝોનલ ઓફિસો સિવાય એસટીપી, વો.ડી. સ્ટેશન વગેરેના લાઈટ બીલની ગણતરી કરવામાં આવે તો આ આંકડો દર વર્ષે રૂ.૮૦ કરોડ સુધી પહોંચી શકે છે તેમ નિષ્ણાતો માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.