રસ્તાની એક બાજુ ઈંટો તથા પેવર બ્લોક ગોઠવી તેના પર રેતી પાથરીને હોળી પ્રગટાવવા AMC દ્વારા કરાઇ તાકીદ

હોળીના તહેવારને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિતમાં કરાઈ અપીલ
ડામરના રસ્તા પર હોળી ના પ્રગટાવવા તથા વૃક્ષો અને ઇલેક્ટ્રિક કેબલ લાઈનની નીચે હોળી ન પ્રગટાવવા AMC દ્વારા અનુરોધ કરાયો
હોળીના પવિત્ર તહેવારના દિવસે સામાન્યત: શહેરના નાગરિકો દ્વારા રસ્તા ઉપર ખાડા ખોદી હોળી પ્રગટાવવામાં આવે છે તેમજ ડામરના રસ્તા પર હોળી પ્રગટાવવામાં આવે છે જેના કારણે રસ્તાને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે,
તેમજ રસ્તા ઉપર ખાડો કરવાથી ડામરવાળા ભાગમાં પોલાણ જેવી પરિસ્થિતિ સર્જાય છે, અને ચોમાસાની ઋતુમાં પાણી અંદર ઉતરવાની શક્યતાઓ વધી જાય છે અને તેના લીધે નીચે ઉતરેલ પાણી નીચેની સરફેસમાં અનેક જગ્યાઓ ઉપર રસ્તાને નુકશાન પહોંચાડે છે. આ પછી રસ્તાને સમારકામ કરવા છતાંય રહી ગયેલ પોલાણવાળી જગ્યામાંથી ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી અંદર ઉતરવાથી રસ્તાને બહુ નુકશાન પહોંચે છે.
જેથી હોળી રસ્તાની વચ્ચે ના પ્રગટાવતા, રસ્તાની એક બાજુ ઈંટો તથા પેવર બ્લોક ગોઠવી તેના ઉપર રેતી પાથરી તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે તો રસ્તાને થતું નુકશાન અટકાવી શકાય. જે માટે જે તે વિસ્તારની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસનો સંપર્ક કરવા વિનંતી છે.
તદુપરાંત હોળી ઝાડની નીચે તેમજ ઇલેક્ટ્રિક તથા અન્ય કેબલની ઓવરહેડ લાઈનની નીચે ન પ્રગટાવતા અન્ય જગ્યા ઉપર પ્રગટાવવામાં આવે તો ઝાડ ઉપર રહેતા પક્ષીઓને થતું નુકશાન તથા ઇલેક્ટ્રિકલ તેમજ અન્ય ઓવરહેડ લાઈનને નુકશાન કે અકસ્માત ન થાય તે મુજબ હોળી પ્રગટાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.