AMCના જુદા જુદા વિભાગોના બાકી ઓડીટ વાંધાનો ૩૦ દિવસમાં નિકાલ કરવા તાકીદ

(પ્રતિનિધિ) અમદાવાદ, AMCની ઓડીટ સબકમિટીની ૮ વર્ષે યોજાયેલી મીટિંગમાં કુલ ૪૯,૨૧૩ ઓડીટ વાંધા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને તે પૈકી નિકાલ થયા બાદ કુલ ૩૯,૯૫૮ ઓડીટ વાંધાઓ વિવિધ ખાતાઓ દ્વારા નિકાલ કરાવવાના બાકી છે. આ તમામ ઓડીટ વાંધાઓનો ૩૦ દિવસમાં એટલેકે તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં નિકાલ કરવાની તાકીદ કરવામાં આવી છે.
ઓડીટ સબ કમિટીમાં JNNURM હેઠળ BRTS કોરિડોરના ૪, JNNURM હેઠળ બ્રિજના કામોના ૧૪, પ્રોપર્ટી ટેકસના સૌથી વધુ ૧૮,૦૯૦, અને પ્રોફેશનલ ટેક્સના ૧,૪૦૯ ઓડીટ સહિત કુલ ૧૯,૫૫૦ ઓડીટ વાંધા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને તે પૈકી પ્રોપર્ટી ટેક્સના પ્રોપર્ટી ટેક્સના ઓડીટ વાંધાની સંખ્યા સૌથી વધુ ૧૮,૦૯૦ છે. આ પાંચ વિભાગોના ૧૯,૫૫૦ ઓડીટ વાંધા પૈકી ફક્ત ૯,૩૮૪ ઓડીટ વાંધાનો જ નિકાલ કરાયો છે અને ૧૦,૧૬૪ ઓડીટ વાંધાનો નિકાલ કરાયો નથી.
AMCના ઓડીટ વિભાગ દ્વારા કાઢવામાં આવેલા ૯,૩૮૪ ઓડીટ વાંધાનો નિકાલ કરીને રૂ. ૧૯ કરોડ, ૪૨ લાખથી વધુની રીકવરી કરવામાં આવી છે. આમ, આ પાંચ વિભાગૌના ૧૦,૧૬૬ ઓડીટ વાંધા સહિત અન્ય વિભાગોના બાકી રહેલા કુલ ૩૯,૯૫૮ બાકી ઓડીટ પેરાનો નિકાલ કરવામાં આવે તો AMCની કરોડોની આવક થવાની શક્યતા છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે. AMCના DYMC તથા જુદા જુદા વિભાગોના HOD સહિત અધિકારીઓની હાજરીમાં યોજાયેલી ઓડીટ સબ કમિટીની બેઠકમાં કોમ્પ્લાયન્સ અને નોન- કોમ્પ્લાયન્સ ઓડીટ પેરા- વાંધા અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી અને તમામ ઓડીટ વાંધાનો તા. ૩૦ એપ્રિલ સુધીમાં નિકાલ કરવા તાકીદ કરાઈ છે. AMCના ઓડીટ વિભાગે INNURM હેઠળ BRTS કોરિડોરના ૪ ઓડીટ વાંધા કાઢયા હતા
અને તે પૈકી ફક્ત એક જ ઓડીટ પેરાનો નિકાલ કરાયો છે. જ્યારે અગમ્ય કારણોસર JNNURM હેઠળ બ્રિજના કામોના ૧૪ ઓડીટ વાંધા પૈકી એક પણ ઓડીટ વાંધાનો નિકાલ કરાયો નથી AMC પ્રોપર્ટી ટેક્સના ૧૮,૦૯૦ ઓડીટ વાંધા પૈકી ફક્ત ૮.૬૬૩ ઓડીટ વાંધાનો નિકાલ કરાયો છે અને ૯,૩૯૭ ઓડીટ વાંધાનો નિકાલ કરાયો નથી. જ્યારે પ્રોફેશનલ ટેક્સના ૧.૪૦૯ ઓડીટ વાંધા પૈકી ૭૦૪ ઓડીટ વાંધાનો નિકાલ કરાયો છે અને ૭૦૨ ઓડીટ પેરાનો નિકાલ થયો નથી.
AMCના ઓડીટ વિભાગ દ્વારા વિવિધ વિભાગોના કાઢવામાં આવતાં ઓડીટ વાંધાઓમાં સંબંધિત વિભાગના કર્મચારીની બેદરકારી, નાણાંકીય ઉચાપત સહિતના ગૂના કે કિસ્સાની ગંભીરતા- સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને AMC કમિશનર દ્વારા ક્રર્મચારીને રીમુવ કરવા, ઈક્રીમેન્ટ કાપવા સહિતની શિક્ષા કરવાની સત્તા છે. GPMC એકટમાં ઓડીટ વાંધા બાબતે કસૂરવાર કર્મચારીને શિક્ષા કરવા અંગે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાનું જાણવા મળે છે.