જન્મ-મરણ નોંધણી અને નો-રેકર્ડ સર્ટી માટેના ચાર્જમાં ૧૦ ગણો વધારો થશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા નાગરિકોને જન્મ-મરણની નોંધણી અધિનિયમ-૧૯૬૯ અને જન્મ મરણ રૂલ્સ- ર૦૧૮ મુજબ જે તે પુરાવા લઈ કરવામાં આવે છે. શહેરના ૪૮ ઈલેકશન વોર્ડ અને ર હોસ્પિટલ એમ કુલ પ૦ સ્થળે નોંધણી કેન્દ્રોથી જન્મ-મરણ પ્રમાણપત્ર આપવામાં આવે છે
જેના માટે હાલ ર૦૧૮ના ગેજેટ મુજબ ચાર્જ લેવામાં આવતો હતો. પરંતુ રાજય સરકાર દ્વારા ફેબ્રુઆરી- ર૦રપમાં જાહેર કરેલ ગેજેટ મુજબ ચાર્જ લેવામાં આવશે. નવા દર ના અમલ બાદ નાગરિકોને લગભગ ૧૦ ગણા વધુ ચાર્જ ચુકવવા પડશે.
રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ર૭ ફેબ્રુઆરી ર૦રપના દિવસે જન્મ-મરણના નોંધણી, નો રેકર્ડ સર્ટિફિકેટ, નામ શોધવા જેવા કામો માટે નવા દર નકકી કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ આ અંગે સ્ટેન્ડિગ કમિટીની મંજુરી બાદ નવા દર વસુલ કરવામાં આવશે. હાલ રૂ.ર થી રૂ.૧૦ સુધીના ચાર્જ લેવામાં આવી રહયા છે
જે મંજુરી બાદ રૂ.ર૦ થી રૂ.૧૦૦ સુધીના થશે. શહેરમાં દર વર્ષે ૧ લાખથી વધારે જન્મ અને ૬૦ હજાર જેટલા મરણના બનાવોની નોંધણી કરવામાં આવે છે. નિયમ મુજબ અને સમયસર નોંધણી કરનાર નાગરિકો પર કોઈ મોટો ભાર આવશે નહીં પરંતુ નામની નોંધણી કરવામાં બેદરકાર રહેલા નાગરિકોને વધુ રકમ ચુકવવી પડશે.