મ્યુનિ. બોર્ડમાં રખડતા ઢોર મામલે કોર્પોરેટરોએ એકબીજા સામે શિંગડા ભરાવ્યા
(પ્રતિનિધિ)અમદાવાદ, નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોર પકડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ તંત્ર દ્વારા પકડવામાં આવેલા ઢોર મૂળ માલિકને પરત આપવાના બદલે અલગ અલગ પાંજરાપોલોમાં મોકલી આપવામાં આવે છે.
પરંતુ સૂરત મ્યુનિ. દ્વારા દંડની રકમ લઈ પકડવામાં આવેલા ઢોર મૂળ માલિકને પરત આપવામાં આવે છે. આમ અમદાવાદ મ્યુનિ. માલધારી સમાજ સાથે ખોટો વ્યવ્હાર કરી રહ્યું છે. તેવા આક્ષેપ અપક્ષ કોર્પોરેટર દ્વારા કરવામાં આવતા માસિક સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો. જેના કારણે સભા મોકુુફ કરવાની ફરજ પડી હતી.
મ્યુનિ. બોર્ડમાં લાભાના અપક્ષ કોપોરેટર કાલુભાઈ ભરવાડે જીરો અવર્ષ દરમિયાન રજૂઆત કરતા જણાવ્યુું હતું કે તંત્ર દ્વારા જે ઢોર પકડવામાં આવે છે તે મૂળ માલિકને પરત સોંપવામાં આવતા નથી. જ્યારે સૂરત શહેરમાં પકડેલા ઢોર દંડની રકમ લઈ પરત આપવામાં આવે છે.
તેમના આ આક્ષેપનો જવાબ આપતા મેયર અને ચેરમેને હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. અપક્ષ કોર્પોરેટરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં એક જ આદેશ દરમિયાન અલગ અલગ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.
અધ્યક્ષ સ્થાનેથી મેયરે તેમની પાસેથી પુરાવા માંગ્યા હતા જેના કારણે કોગ્રેસના કોર્પોરેટરો કાલુભાઈ ના સમર્થનમાં આવ્યા હતા. તથા રખડતા ઢોર મામલે સત્તાધારી પાર્ટી પર પસ્તાળ પાડી હતી. મેયરે પુરાવાની માંગણી કરતા કાલુભાઈએ ૨૦૨૧નો ઠરાવ આપ્યો હતો.
પરંતુ સત્તાધારી પાર્ટી રશીદ માટે સતત માંગણી કરતી હતી. તથા ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ કાલુભાઈને સસ્પેડ કરવા માંગણી કરી હતી. જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા સભાગૃહમાં હોબાળો મચી ગયો હતો. તથા બોર્ડ બંધ કરવામાં આવ્યું હતું.
મ્યુનિ. પૂર્ણ થયા બાદ અપક્ષ કોર્પોરેટર કાલુભાઈ ભરવાડે સોશિયલ મિડિયા દ્વારા સૂરત મહાનગરપાલિકાની રશીદ વાઈરલ કરી હતી. જેમાં ૨૫ ઓગસ્ટે પકડવામાં આવેલા ઢોર ૨૭ ઓગસ્ટે તેના માલિકને પરત આપવામાં આવ્યા હતા. જે પેટે રૂ.૨૩,૧૨૫ દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું દર્શાવામાં આવ્યું હતું.