Western Times News

Gujarati News

AMC દ્વારા આયોજીત બુકફેરમાં દેશભરના 65 જેટલા પુસ્તક પ્રકાશકોએ ભાગ લીધો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેરનું ઉદઘાટન

AMC દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે ૬થી ૧૨ જાન્યુઆરી દરમિયાન નવમા વાઈબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેર -૨૦૨૪નું આયોજન-બુકફેરમાં દેશભરના ૬૫ જેટલા પુસ્તક પ્રકાશકોના ૧૪૦થી વધુ બુક સ્ટોલ પર વિવિધ વિષયોનાં પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ

નેશનલ બુકફેર અંતર્ગત સાહિત્ય સપ્તાહ, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, જ્ઞાનગંગા વર્કશોપ, પુસ્તક પરબ, કવિ સંમેલન, મુશાયરા, ટોક શૉ સહિતના કાર્યક્રમો યોજાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન બાદ પુસ્તક પરબ સહિત વિવિધ પ્રકાશકોના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સ્ટોલ પરથી શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામાયણ સહિતનાં પુસ્તકોની ખરીદી પણ કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ૬થી ૧૨ જાન્યુઆરી દરમિયાન નવમા વાઈબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેર -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. બુકફેરનો સમય દરરોજ  બપોરે ૧૨થી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાત દિવસ સુધી ચાલનારા બુકફેરમાં દેશભરના ૬૫ જેટલા પુસ્તક પ્રકાશકોના ૧૪૦થી વધુ બુક સ્ટોલ્સ પર ઇતિહાસ, સંસ્કૃત, કલા સ્થાપત્ય, બાળ સાહિત્ય, ધર્મ-અધ્યાત્મ, વિજ્ઞાન, ફિલોસોફી સહિત અનેકવિધ વિષયો પરનાં લાખો પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ છે. વાંચકો પોતે વાંચેલાં પુસ્તકોને પુસ્તક પરબ પર દાન કરી શકશે તથા અન્ય વાંચકોએ આપેલાં પુસ્તકો વાંચવા માટે મેળવી શકશે.

વધુમાં, બુકફેરની સાથોસાથ યોજાનાર દૈનિક સાહિત્યિક  પ્રવૃત્તિઓમાં સાહિત્ય સપ્તાહ, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, જ્ઞાનગંગા વર્કશોપ, કવિ સંમેલન, મુશાયરા, ટોક શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સાહિત્ય સપ્તાહ અંતર્ગત કલા અને સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો, યુવા કવિઓ-સર્જકોનાં વક્તવ્યો, રસપ્રદ સાહિત્યિક ચર્ચાઓ, કાવ્યપઠન સહિત સંગીતના કાર્યક્રમો યોજાશે. જ્ઞાનગંગા વર્કશોપમાં યુવાઓ માટે લેખન કૌશલ્ય વિકસાવવાના ઉદ્દેશ સાથે દરરોજ અલગ-અલગ વિષય પર બપોરે ૧૨થી ૩ દરમિયાન વર્કશોપ યોજાશે.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓના ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાના કૌશલ્યનું નિદર્શન કરતા ખાસ પ્રદર્શનનો એક સ્ટોલ પણ બુકફેરમાં બનાવવામાં આવ્યો છે.

આ વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેર-૨૦૨૪ના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, સંસદ સભ્ય ડૉ. કિરીટભાઈ સોલંકી, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, અમદાવાદના ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ. થેન્નારસન તથા કાઉન્સિલરશ્રીઓ સહિત પુસ્તકપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.