અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના બજેટનું કદ 9300 કરોડ રહે તેવી શક્યતા
મ્યુનિ. બજેટ બેઠકમાં કોંગ્રેસના ચાર કોર્પોરેટરો ગેરહાજરઃ ધારાસભ્યની ફરિયાદ બાદ પાર્ટીએ પગલાં લીધા હોવાની ચર્ચા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે કમિશ્નરે રજુ કરેલા રૂા.૮ હજાર ૪૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં મ્યુનિ. સત્તાધારી પાર્ટી સુધારા વધારા સાથે શુક્રવારે મંજુરી આપશે. શાસક પક્ષ તરફથી ડ્રાફટ બજેટમાં વિકાસ અને ગ્રાંટના કામો સહિત રૂા.૧ હજારનો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.
સત્તાધારી પાર્ટીના બજેટ બાદ આગામી સપ્તાહમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ સુધારા બજેટ રજુ કરવામાં આવશે જેના માટે ગુરૂવારે મળેલી બેઠકમાં ચાર કોર્પોરેટર ગેરહાજર રહયા હતા. વિધાનસભા ચુંટણી સમયે ઉમેદવારની મદદ ન કરવા બદલ આ કોર્પોરેટરોને પક્ષ તરફથી મૌખિક ઠપકો આપવામાં આવ્યો હોવાના કારણોસર તેઓ ગેરહાજર રહયા હતા તેવી ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૩- ૨૪નું બજેટ શુક્રવારે સત્તાપક્ષ ભાજપ સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરશે. સવારે ૧૧ વાગ્યે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન હિતેશ બારોટ દ્વારા સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સમાં રૂા. ૧પ૦ કરોડ સુધીની રાહત આપવામાં આવશે તેમ માનવામાં આવે છે.
આ ઉપરાંત મ્યુનિ. સ્કુલ બોર્ડ, વી.એસ. હોસ્પિટલ અને એમ.જી. લાયબ્રેરી મળી કુલ રૂા.પ૦૦ કરોડની ગ્રાંટ પણ સત્તાધારી પાર્ટી તરફથી ફાળવવામાં આવશે. જયારે રૂા.૪૦૦ થી પ૦૦ કરોડના વિકાસ કામો મંજુર કરવામાં આવશે જેના કારણે મ્યુનિ. કોર્પો.નું બજેટ ૯,૩૦૦ કરોડ રૂપિયાની આસપાસ રહે તેવી શક્યતા છે. મ્યુનિ. શાસક પક્ષના સુધારામાં નવનિયુક્ત ધારાસભ્યોને ખુશ કરવાના પ્રયાસ થઈ શકે છે.
મ્યુનિ. કોંગ્રેસ દ્વારા પણ બજેટમાં પોતાના સુધારા મૂકવામાં આવશે જેને લઇ ગુરૂવારે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા કોંગ્રેસના તમામ કોર્પોરેટરો અને ધારાસભ્યોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના પૂર્વ કોર્પોરેટર અને સિનિયર નેતા સુરેન્દ્ર બક્ષી, લિયાક્ત ઘોરી અને ચાલુ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.
કોર્પોરેટરોએ પોત પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ વધારવા બાબતે સૂચનો કર્યા હતા. જાેકે કોંગ્રેસની બજેટ બેઠકમાં દાણીલીમડા વિધાનસભાના ચાર કોર્પોરેટરો ગેરહાજર રહયા હતા સુત્રોએ જણાવ્યા મુજબ દાણીલીમડાના ધારાસભ્યએ ચુંટણી સમયે કામ ન કરવા બદલ આ ચાર કોર્પોરેટરો વિરૂધ્ધ પક્ષમાં ફરિયાદ કરી હતી
જેના કારણે પ્રદેશ મોવડી મંડળ દ્વારા તેમને બુધવારે સાંજે રાજીવ ગાંધી ભવન બોલાવવામાં આવ્યા હતાં જયાં ધારાસભ્યની ફરિયાદ અંગે ચર્ચા થઈ હતી કોંગ્રેસના કોર્પોરેટરોએ ધારાસભ્ય દ્વારા ચુંટણી સમયે તેમને બોલાવવામાં આવ્યા ન હતા તેમજ તેમની ધરાર અવગણના કરવામાં આવી હતી
જેના કારણે તેઓ અન્ય ઉમેદવારનો પ્રચાર કર્યો હતો તેમ જણાવ્યું હતું. આગામી સપ્તાહ દરમિયાન મળનાર બજેટ બેઠકમાં આ ચાર ધારાસભ્યો ચર્ચામાં ભાગ લેશે કે કેમ તેની પર સૌની નજર રહેશે.