અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આ વોર્ડની પેટા ચૂંટણી બાદ રજૂ થશે

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું નાણાકીય વર્ષ ૨૦૨૫ ૨૬ માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં વિલંબ થશે. શહેરના ઘાટલોડિયા વોર્ડમાં પેટા ચૂંટણી હોવાના કારણે ચૂંટણીના પરિણામ બાદ જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ શાસક પક્ષ ના સુધારા અને વિપક્ષ દ્વારા બજેટ રજૂ થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સામાન્ય રીતે દર વર્ષે ફેબ્રુઆરીની ૨૦ તારીખ પહેલા સામાન્ય બજેટ રાજ્ય સરકાર ને મોકલી આપવાનું રહે છે. પરંતુ ચાલુ વર્ષે ઘાટલોડિયા વોર્ડમાં પેટા ચૂંટણી હોવાથી બજેટ પ્રક્રિયામાં વિલંબ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘાટલોડિયા વોર્ડની ચૂંટણી પૂર્ણ થયા બાદ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે.
જેનો સીધો મતલબ એ થાય છે કે કમિશનર તરફથી ફેબ્રુઆરી મહિનાના અંતમાં જ બજેટ રજૂ થશે. નિયમ મુજબ કમિશનરના બજેટ પછી શાસક પક્ષ દ્વારા સાત દિવસ બાદ સુધારા સાથે બજેટ મંજુર કરવામાં આવે છે ત્યારબાદ વિપક્ષ તરફથી પણ સુધારા બજેટ રજૂ થાય છે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બજેટ ચર્ચા થાય છે ત્યારબાદ રાજ્ય સરકારમાં બજેટ સબમિટ કરવામાં આવે છે.
કમિશનર બજેટ બાદ આ તમામ પ્રક્રિયા પૂર્ણ થવામાં ઓછામાં ઓછા ૨૦ દિવસ જેટલો સમય લાગે છે તેથી એમ માની શકાય કે માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં જ બજેટ ની પ્રક્રિયા પૂર્ણ થશે ૨૦૨૧ માં પણ કોરોનાના કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો જેના કારણે બજેટ પ્રક્રિયામાં પણ મોડું થયું હતું
આ વર્ષે પેટા ચૂંટણીના કારણે ૨૦૨૧ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે ઇલેક્શન કમિશનરને પત્ર લખી બજેટ અંગે માર્ગદર્શન માંગ્યું છે જોકે સુરતમાં પણ પેટા ચૂંટણી છે તેથી સુરતમાં પેટા ચૂંટણી બાદ જ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને ૨૦ ફેબ્રુઆરી સુધી ટેક્સ ના વધઘટ અંગે રાજ્ય સરકારને જાણ કરવાની રહે છે તેથી ૨૦ ફેબ્રુઆરી પહેલા દર વર્ષે બે ટકાનો જે વધારો કરવામાં આવ્યો છે, તે મુજબ અંદાજે રૂપિયા ૩૫ કરોડ ના ટેક્સ વધારાની વિગત સરકાર ને મોકલી આપવામાં આવશે જ્યારે ડ્રાફ્ટ બજેટ અંગે ચૂંટણી પંચના માર્ગદર્શન બાદ જ નિર્ણય થશે. જોકે ઘાટલોડીયા વોર્ડની ચૂંટણી બાદ જ કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે તેમ માનવામાં આવે છે.