AMC: ડીસેમ્બર- ર૦ર૪ સુધી 650 કરોડના ઝોનલ બજેટ સામે માત્ર 201 કરોડ જ ખર્ચ થયા
મ્યુનિ. ઝોનલ બજેટમાં ૩૧ ડીસે. સુધી માત્ર 30 ટકા રકમ જ ખર્ચ થઈ
પીયુઆઈ અભિગમ નિષ્ફળ નિવડ્યો હોવાની ચર્ચા: કમિશનર નવા બજેટમાં પણ પીયુઆઈ માટે વધુ ફાળવણી કરશે: ચર્ચા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા નાણાંકિય વર્ષ ર૦ર૪-રપ માટે રૂ.૧૦૮૦૧ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું જેમાં દરેક વોર્ડમાં નાગરિક સુવિધાના કામ ઝડપથી થાય તે માટે ઝોન દીઠ બજેટ ફાળવણી કરવામાં આવી છે. ર૦ર૪-રપના વર્ષ માટે મ્યુનિ. કમિશનરે રૂ.૬પ૦ કરોડ તમામ ઝોન માટે ફાળવ્યા હતાં. પરંતુ નાણાંકિય વર્ષના ૯ વર્ષ પૂર્ણ થયા બાદ પણ ઝોનલ બજેટ પેટે ૩૦ ટકા કરતા પણ ઓછી રકમ ખર્ચ થઈ છે.
મ્યુનિ. કમિશનરે ર૦ર૪-રપમાં જે પીયુઆઈ કન્સેપ્ટ શરૂ કર્યો હતો તેમાં પણ સફળતા મળી નથી તેમ માનવામાં આવે છે. તેમ છતાં નવા બજેટમાં કમિશનર પીયુઆઈ માટે વધુ રકમ ફાળવશે તેવો અંદાજ છે.
મ્યુનિ. કમિશનર દ્વારા નાણાંકિય ર૦ર૪-રપ માટે તમામ ઝોન દીઠ અલગથી બજેટ આપવામાં આવ્યું છે જેનો મુળ આશય ઝોનમાં રોડ, લાઈટ, પાણી, ગટરના કામો ઝડપથી થાય તે માટેનો હોય છે.
પરંતુ ૩૧ ડીસેમ્બર- ર૦ર૪ સુધી ૬પ૦ કરોડના ઝોનલ બજેટ સામે માત્ર રૂ.ર૦૧ કરોડ જ ખર્ચ થયા છે. આ આંકડા પરથી એ બાબત સાબિત થાય છે કે ઝોન કક્ષાએ જન સુવિધાના કામ કરવામાં કોઈને રસ રહયો નથી. એક કારણ એ પણ માનવામાં આવી રહયું છે કે આસિ. કમિશનર કક્ષાના અધિકારીઓને ઈજનેર વિભાગના કામોની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ પ્રજાકિય કામો મંથર ગતિએ ચાલી રહયા છે.
નાણાંકિય વર્ષ ર૦ર૩-ર૪માં મ્યુનિ. કમિશનરે ઝોનલ બજેટ પેટે રૂ.પ૦૦ કરોડ ફાળવ્યા હતા જેનો અંદાજ સુધારી રૂ.૩૧૧.૦૬ કરોડ કરવામાં આવ્યો હતો જેની સામે રૂ.૩પ૪.૮૭ કરોડ ખર્ચ થયા છે. જયારે ર૦રર-ર૩માં ઝોનલ બજેટ પેટે રૂ.૩૦૭.૪૯ કરોડના કામ થયા હતાં. અહીં એક બાબતની નોંધ લેવી રહી કે ર૦ર૩-ર૪માં ૧ એપ્રિલથી ૩૧ ડીસેમ્બર સુધી ઝોનલ બજેટ પેટે રૂ.ર૪પ.૧ર કરોડનો ખર્ચ થયો હતો.
જેની સામે વર્તમાન નાણાંકિય વર્ષમાં આ જ સમયગાળામાં રૂ.ર૦૧.૬૬ કરોડનો ખર્ચ થયો છે મતલબ કે પાછલા વર્ષની સરખામણીએ રૂ.૪૪ કરોડ ઓછા વપરાયા છે. મ્યુનિ. કમિશનર દ્વારા દરેક ઝોન દીઠ પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટની રચના કરવામાં આવી છે. પરંતુ તેમાં કામ અત્યંત મંથર ગતિએ ચાલી રહયા હોવાની પણ વિગતો બહાર આવી છે. આ યુનિટ શરૂ કરવા પાછળનો અભિગમ કામ ઝડપથી પુરો થાય તેવો હતો પરંતુ તેમાં પણ નિષ્ફળતા સાંપડી છે.
તેમ છતાં નાણાંકિય વર્ષ ર૦રપ-ર૬માં મ્યુનિ. કમિશનર ઝોનલ બજેટની બે ભાગમાં વહેંચણી કરશે જેમાં રેવન્યુ ખર્ચ અને પીયુઆઈ એમ બંને માટે અલગ અલગ ફાળવણી કરવામાં આવશે. એક અંદાજ મુજબ કમિશનર ઝોનલ બજેટનો મોટો હિસ્સો ફાળવે તેવી સંભાવના છે.