રાજપથ ક્લબની પાછળ આવેલી બાંધકામ સાઈટને 2.5 લાખનો દંડ ફટકારાયો
AMCએ નિયત કરેલ ર૬ પ્લોટમાં નાગરિકો બિલ્ડીંગ કાટમાળ નાંખી શકશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેરમાં નાંખવામાં આવતા બિલ્ડીંગ કાટમાળને રોકવા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત સ્મશાનમાં લાકડા સપ્લાય કરવા માટે ફરીથી ટેન્ડર મંગાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ. હેલ્થ કમિટી ચેરમેન જશુભાઈ ઠાકોરના જણાવ્યા અનુસાર જાહેરમાં બિલ્ડીંગ કાટમાળ ફેંકનાર સામે કાર્યવાહી કરવા માટે કડક નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.
ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલા રાજપથ કલબ પાછળ ડી માર્ટની કન્સ્ટ્રક્શનની સાઈટ ચાલી રહી છે. સોમવારે સોલિડ વેસ્ટ વિભાગે સાઈટની તપાસ કરતાં જોવા મળ્યું હતું કે, ટોઈલેટનું ગંદુ પાણી રાજપથ રોડ પર આવતું હતું. આ સિવાય બાંધકામ સાઈટ પર જવાબદાર માલિક, મેનેજર કે એન્જિનિયરનું નામ નંબર કે રજાચિઠ્ઠી લગાવેલી ન હતી. તે બદલ સાઈટને રૂ.2 લાખ જ્યારે મજૂરો માટે બનાવવામાં આવેલી કોલોનીમાં ગંદકી કરવા બદલ 50 હજાર મળી કુલ રૂ.2.50 લાખનો દંડ કરાયો હતો.
નાગરિકો દ્વારા મકાનના રીપેરીંગ, રિનોવેશન કે નવા બાંધકામ કરતા સમયે ઉત્પન્ન થતાં માટીપૂરણી કે ડેબ્રીજ વગેરે જાહેર સ્થળોએ મુકવામાં આવે છે જેના બદલે હવે કોર્પોરેશન દ્વારા નિયત કરેલા ર૬ પ્લોટમાં જ તેનો નિકાલ કરવો ફરજીયાત રહેશે. જો નાગરિકો સ્વખર્ચે તેનો નિકાલ ન કરે તો કોર્પોરેશનની સીસીઆરએસમાં ટેલીફોન કરી આ અંગે ફરિયાદ નોંધાવી શકે છે જેના માટે નિયત કરેલ ફી ચુકવવાની રહેશે.
ર૦૧૪ના ઠરાવ મુજબ હાલ નાગરિકોના ઘરેથી ડેબ્રીજ ઉઠાવવા માટે એક મેટ્રીક ટનથી ઓછો વેસ્ટ હશે તો પ્રતિ ટ્રીપ રૂ.ર૦૦ લેવામાં આવશે. આ ઉપરાંત ૧ થી પ મેટ્રીક ટનનો જથ્થો હશે તો રૂ.૬૭પ અને પાંચ મેટ્રીક ટનથી વધારે જથ્થો હશે તો ટ્રીટ દીઠ રૂ.૧૭૦૦ લેવામાં આવી રહયા છે. નવી એસોપીમાં તેમાં સુધારો કરી અનુક્રમે રૂ.પ૦૦, ર૦૦૦ અને ૩પ૦૦ લેવામાં આવશે.
દરખાસ્તમાં પાંચ મેટ્રીક ટનથી વધુ જથ્થા માટે રૂ.૪પ૦૦ની ભલામણ હતી જેમાં સુધારો કરી રૂ.૩પ૦૦ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનના સ્મશાનગૃહોમાં લાકડા સપ્લાય માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં ટેન્ડર શરત મુજબ ઓછામાં રૂ પ૦ લાખનું ટર્નઓવર માંગવામાં આવ્યું હતું તેથી સ્પર્ધા થવાની શકયતા ઓછી રહેતી હતી. કમિટી દ્વારા આ શરત દુર કરી ફરીથી ટેન્ડર જાહેર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.