મ્યુનિ. કોર્પોરેશનના કેસમાં તારીખ પે તારીખ: 17 વર્ષ, 97 મુદત, પરિણામ પેન્ડિંગ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગોની માફક લીગલ વિભાગમાં પણ વ્યાપક ગેરરીતિઓ ચાલી રહી હોવાની ફરિયાદ થતી રહે છે
થોડા સમય પહેલા આરબીટ્રેશન મામલે ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો આવી હતી જયારે હવે, વાસણા વિસ્તારમાં છેલ્લા 17 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના પ્લોટનો કબજો મેળવવા કોર્ટમાં ચાલી રહેલા કેસમાં 97 મુદ્દા તો પડી ગઈ છતાં પણ હજી સુધી આ પ્લોટના કેસનો નિકાલ આવ્યો નથી તેવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
મ્યુનિસિપલ લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, વાસણા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો એક પ્લોટ આવેલો છે જેમાં અનેક વર્ષોથી સિવિલ કોર્ટ અને હાઇકોર્ટ એમ બંનેમાં આ એક જ પ્લોટ માટે કેસ ચાલી રહ્યા છે. 2007થી ગુજરાત હાઇકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે.
સિવિલ કોર્ટમાં પણ 15 વર્ષથી વધુ સમય થયો છતાં પણ આ કેસનો નિકાલ થયો નથી. જેની 97 મુદત પડી ચુકી ચડ. જેને લઈને શુક્રવારે મળેલી કમિટીમાં આ કેસ પર ઝડપી કામગીરી કરી સિનિયર વકીલ રોકી કેસનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહ દ્વારા પણ પ્લોટ બાબતે કમિશનર સમક્ષ ઉઠાવેલા પ્રશ્નનો મુદ્દે પણ ઉઠાવવામા આવ્યો હતો. જીબી શાહ કોલેજની પાસે આવેલા આ 34000 ચો.મી. જગ્યાના આ પ્લોટની કિંમત કરોડોની થાય છે. ભૂતકાળમાં મ્યુનિ. દ્વારા આ પ્લોટ એક વર્ષ માટે ભાડે આપવામાં આવ્યો હતો.
જે બાદ આ જગ્યા પરત લેવા માટે મ્યુનિ. પ્રયત્ન કરવામાં આવતાં કબજેદાર દ્વારા સિવિલ કોર્ટમાં 1997માં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ સતત આ કેસમાં મુદતો પડી રહી છે. 2018માં આ કેસમાં ચુકાદો આવ્યો હતો. જોકે બીજી તરફ આ મામલો 2007થી હાઇકોર્ટ સમક્ષ પણ પડતર છે. આ સ્થિતિમાં સતત 97થી વધારે મુદત પડવા છતાં હજુ પણ આ કેસમાં કોઇ યોગ્ય નિકાલ આવ્યો નથી.