Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશની રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી: 42 વાડા તોડી પાડ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં રખડતા ઢોરને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક શબ્દોમાં ચેતવણી આપ્યા બાદ CNCD વિભાગ દ્વારા રખડતા ઢોર મુકનાર પશુમાલિકો વિરુદ્ધ કાર્યવાહી છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહી છે.

શહેરના ગોતા, ઘાટલોડિયા, પાલડી, સરખેજ, જોધપુર મણિનગર, લાંભા, વટવા ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તારમાં પશુમાલિકોના વાડા તોડવાની અને પાણી તેમજ ગટર કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી છે. 14 ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. 42 જેટલા વાડા તોડી પાડવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ સીએનસીડી વિભાગ અને એસ્ટેટ વિભાગની ટીમે સંયુક્ત રીતે મળી અને જે પણ પશુમાલિકોએ પોતાના ઢોર રખડતા મૂક્યા હતા. તેમના વાડા અને પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી છે.

શુક્રવારે ગોતામાં 9, ઘાટલોડિયામાં 11, વાડજમાં 3, પાલડીમાં 1, મણિનગર, લાંભા, વટવા અને દાણીલીમડામાં 7 અને જોધપુરમાં 11 જેટલાં વાડા તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે ગોતા-ઘાટલોડિયામાં 1, સરખેજ ફતેવાડીમાં 3, જોધપુરમાં ત્રણ અને આદિનાથ નગર ઓઢવ તેમજ વસ્ત્રાલમાં 7 જેટલાં પાણી- ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.

અમદાવાદમાં ઢોરના ટેગ પરથી પશુ માલિકોની ઓળખ કરવા અંગેની પોલીસી  લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ પશુ માલિકોએ લાયસન્સ લેવા ફરજિયાત તેમના ઢોરને પોતાની જગ્યામાં રાખવાના હતા, પરંતુ કેટલીક જગ્યાએ રખડતા ઢોર મળી આવતા કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા દ્વારા ઢોરના ટેગ પરથી પશુ માલિકોની ઓળખ કરી હતી.

રખડતા ઢોર મૂકી દીધા હોવાના પગલે તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેથી હવે જે પણ પશુ માલિકોએ લાયસન્સ નથી લીધું અને તેમના રખડતા ઢોર મળી આવ્યા છે. તેમનાં અડ્ડા તોડી પાડવાની અને ગટર ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ થઈ છે.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ.એ ચાલુ મહિનામાં જ શહેરમાંથી 145 જેટલા રખડતાં ઢોર પકડ્યા છે. તેમજ મ્યુનિ. કમિશનર અને કમિટિમાં વારંવારની ટકોર બાદ આખરે મ્યુનિ. રખડતાં પશુ ત્રાસ નિવારણ ટીમ દ્વારા એક્શન લેવામાં આવ્યા છે.

મ્યુનિ.ની વિવિધ ટીમ દ્વારા લાઈન્સ ધરાવતાં 369 જગ્યાઓની તપાસ કરવામાં આી હતી. જેમાં 2549 જેટલા પશુઓની ચકાસણી કરાઇ હતી. જેમાં અસારવા, શાહપુર, દરિયાપુર, ખાડિયા, સહિતના વિવિધ વિસ્તારમાં રખડતાં પશુઓની તપાસ કરવામાં આવી હતી.

મ્યુનિ.એ પકડેલા ઢોર પૈકી 17 ઢોર લાઈસન્સધારક લોકોના હોવાથી તેમને પણ નોટિસ અપાઇ છેકે તેમના લાઈસન્સ કેમ રદ ન કરવા? તે ઉપરાંત એકથી વધારે પશુને રખડતા મુકનાર સામે પણ મ્યુનિ. દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.