AMC સેન્ટ્રલ ઓફિસમાં ૧પ વર્ષથી ચીપકી રહેલા કર્મચારીઓની બદલી ક્યારે: ચર્ચાનો વિષય
AMC મ્યુનિ. આસિ. કમિશનરોની બદલીમાં વ્હાલા દવલાની નીતિ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ૭ વર્ષ બાદ બદલીનો ગંજીપો ચીપાયો છે. કોરોના પહેલા નિમણુંક કરવામાં આવેલ આસિ. મ્યુનિ. કમિશનર કક્ષાના અધિકારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે. સાથે સાથે ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની પણ બદલી કરવામાં આવી છે. ૭ વર્ષ બાદ કરવામાં આવેલ બદલી બાદ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે.
ખાસ કરીને આસિસ્ટન્ટ કમિશનરોની બદલીમાં સેન્ટ્રલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓએ વ્હાલા દવલાઓની નીતિ અપનાવી હોવાના આક્ષેપ થઈ રહયા છે. જયારે સેન્ટ્રલ ઓફિસમાં જ ૧પ-૧પ વર્ષથી એક જ હોદ્દા પર ફરજ બજાવી રહેલ અધિકારીઓની બદલી અંગે હજી સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને ગુરૂવારે એક સાથે ર૦ આસિસ્ટન્ટ કમિશનરોની બદલી કરી છે. જેમાં સેન્ટ્રલ ઓફિસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‘મન પસંદ’ યોજના ચલાવવામાં આવી હોય તેવા આક્ષેપ થયા છે. તેનું મુખ્ય કારણ એ છે કે લગભગ સાતેક આસિ. કમિશનરને તેમના ઘરની બિલકુલ નજીક ટ્રાન્સફર આપવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં થતી ચર્ચા મુજબ આસિ. કમિશનર રમેશ પારઘી ન્યુ રાણીપમાં રહે છે અને તેમની બદલી ઘાટલોડિયા- ચાંદલોડિયામાં થઈ છે. તેવી જ રીતે નિકુંજ પ્રજાપતિ ચાંદખેડામાં રહે છે તેમને ચાંદખેડા-સાબરમતી વોર્ડ આપવામાં આવ્યા છે. રાહુલ શાહ વાસણામાં રહે છે તેમને જોધપુર વોર્ડ આપવામાં આવ્યો છે. કેલ્વીન કાપડિયા મણિનગરમાં રહે છે તેમને ઈસનપુર અને વટવા વોર્ડ આપવામાં આવ્યા છે.
જયારે હેમંત બલાત ચાંદખેડામાં રહે છે જેમને રાણીપ અને નવા વાડજ વોર્ડ આપવામાં આવ્યા છે. મતલબ કે આ તમામ અધિકારીઓને તેમના ઘરથી બિલકુલ નજીક જ ટ્રાન્સફર આપવામાં આવી છે જે બાબત ચર્ચાનો વિષય બની છે.
મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસ દ્વારા બદલીની શરૂઆત કરવામાં આવી છે પરંતુ આ શરૂઆત સેન્ટ્રલ ઓફિસથી જ થાય તે જરૂરી બની છે. કારણ કે છેલ્લા બે-ચાર મહિનામાં સેન્ટ્રલ ઓફિસની ઘણી ગેરરીતિઓ બહાર આવી છે અને કોર્પોરેશનના ઈતિહાસના કલંક સમાન ભરતી કૌભાંડ પણ થયું છે. સેન્ટ્રલ ઓફિસમાં જીગ્નેશ મોદી અને મહાવીરભાઈ આ બે અધિકારીઓ લગભગ ૧પવર્ષથી એક જ જગ્યાએ કામ કરી રહયા છે.
જયારે ભરતી કૌભાંડના આરોપી પુલકિત સથવારા પણ ૭ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા હતાં. તેવી જ રીતે ભરતી પ્રક્રિયાથી પસંદ થયેલ આસિ. ઈજનેર કે જેઓ પ્રોબેશન પર હોવા છતાં ભરતી કૌભાંડમાં ફરિયાદી બનાવવામાં આવ્યા છે. તે પ્રવિણ સાવલિયા પણ ભરતી પ્રક્રિયાથી આસિસ્ટન્ટ મેનેજર તરીકે નિયુકત થયા તે પહેલા સેન્ટ્રલ ઓફિસમાં જ પુલકિત સથવારા સાથે એક જ ટેબલ પર કામ કરતા હતાં
આમ ઘણા વર્ષોથી એક જગ્યા એ ચીપકી રહેલા અધિકારીઓના કારણે ગેરરીતિઓ થતી રહે છે તે બાબત સ્પષ્ટ થઈ છે તેમ છતાં અગમ્ય કારણોસર સેન્ટ્રલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ તેમના વિભાગમાં જ બદલી કરતા નથી તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.