મ્યુનિ. કમિશનરે ચાંદીપુરા વાયરસ અંગે કોઈ ચૂક ન રહે તે માટે અધિકારીઓને તાકિદ કરી
(પ્રતિનિધિ)અમદાવાદ, રાજય અને અમદાવાદ શહેરમાં કહેર મચાવી રહેલ ચાંદીપુરા વાયરસ તેમજ સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીના મુદ્દે મ્યુનિ. કમિશનરની રીવ્યુ બેઠકમાં સઘન ચર્ચા થઈ હતી.
સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા જે પ્રદુષિત પાણી છોડવામાં આવી રહયું છે તેના મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. આ મુદ્દે હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશનને અવારનવાર આડા હાથે લેવામાં આવે છે. જેના કારણે કમિશનરે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ખાસ સ્કવોર્ડ બનાવવા સુચના આપી હતી અને ઔદ્યોગિક એકમો દ્વારા જે ગેરકાયદેસર જોડાણો કરવામાં આવ્યા છે તેને દુર કરવા તાકીદ કરી હતી.
પરંતુ આ મુદ્દે અધિકારીઓ હજી થોડા નિષ્ક્રિય સાબિત થઈ રહયા છે જેના કારણે ગુરૂવાર સાંજે મળેલી રીવ્યુ બેઠકમાં કમિશનરે નારાજગી દર્શાવી હતી. સદર બેઠકમાં આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ પાણીની ટાંકીઓમાં જ નીલ કલોરિનના રિપોર્ટ આવતા હોવાનું જણાવતા હાજર તમામ સભ્યો ચોંકી ઉઠયા હતા. પરંતુ થોડી ચર્ચા બાદ એ બાબત સ્પષ્ટ થઈ હતી કે આરોગ્ય વિભાગના વડા જે ટાંકીની વાત કરી રહયા હતા તે સ્ટાફ કવાર્ટરની ખાનગી ટાંકી છે.
મુખ્યમંત્રીએ ગુરૂવારે તમામ કલેકટરો અને મહાનગરપાલિકાના કમિશનરો સાથે ચાંદીપુરા વાયરસ અંગે જે ચર્ચા કરી હતી તથા સુચનો આપ્યા હતા તે સુચનોનું અમલ કરવા માટે કમિશનરે આરોગ્ય વિભાગને તાકીદ કરી હતી તથા આ અંગે કોઈપણ બાબતે ગાફેલ ન રહેવા સુચના આપી હતી. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં વોટર લોગીંગ સ્પોર્ટમાં વધારો થયો છે
પરંતુ રોડ તૂટવા કે ગાબડા પડવાની સંખ્યામાં ઘટાડો થયો છે. રોડ પર જે નાના મોટા ગાબડા પડયા છે તેને ઝડપથી પુરવા તેમજ માટી કે છુટા પદાર્થોથી ગાબડા પુરવાના બદલે તેની પર યોગ્ય પેચવર્ક કરવામાં આવે તેમ જણાવ્યું હતું.