Western Times News

Gujarati News

147 મી ભગવાન જગ્નાથ રથયાત્રાના ૨૨ કિ.મી. લાંબા રૂટ પર  ફક્ત ૩૦ મેટ્રીક ટન કચરો જ ઉત્પન્ન થયો

નાગરીકોની ભાગીદારીનાં લીધે સફાઈ અને સેનીટેશનની કામગીરીમાં ફાયદો થયો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં  ભગવાન જગન્નાથની ૧૪૭ મી રથયાત્રા શહેરનાં વિવિધ વિસ્તારોમાં ૨૨ કિ.મી. લાંબા રૂટનાં રસ્તાઓ પર નીકળી હતી જેમાં લાખો ભાવિક ભક્તો – નાગરીકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. જમાલપુર જગન્નાથજી મંદિરથી શરૂ થયેલ આ રથયાત્રામાં નાગરીકોની આટલી મોટી સંખ્યામાં હાજરીનાં કારણે વધુ માત્રમાં કચરાની ઉત્પન્ન થવાની શકયતાને ધ્યાને રાખી

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેંટ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભગવાન જગ્નાથજી સહિત ત્રણેય રથ અને તેની સાથેનો તમામ કાફલો જે રસ્તાઓ પરથી પસાર થનાર હતો તેને ૦૫ મુખ્ય રૂટોમાં વિભાજિત કરી સમગ્ર રૂટમાં ૦૬ ઝોનનાં જુદા-જુદા વોર્ડના કુલ અંદાજિત 1000 સફાઈ કામદારોને રસ્તાઓની સંપૂર્ણપણે સફાઈ માટેની કામગીરી સોંપવામાં આવી હતી.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર વિજયભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ રથયાત્રામાં ઉપસ્થિત નાગરીકોનાં આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખી કાફલામાં આવેલ ૧૦૧ ટ્રકોમાં કચરો એકત્ર કરવા સારું થેલીઓ વિતરણ કરવામાં આવેલ તેમજ થોડા થોડા અંતરે કચરો એકત્ર કરવા સારું 08 છોટા હાથી, 30 કોમ્પેક્ટર પ્રકારના વાહનો-મશીનો કામગીરીમાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત 03 ન્યૂસન્સ ટેંકરો મારફતે રૂટનાં જાહેર શૌચાલયોની સફાઈ પણ રાઉન્ડ ધી ક્લોક કરવામાં આવી હતી.

ભગવાન જગન્નાથની રથયાત્રાનાં ર૨ કિ.મી. લાંબા રૂટનાં રસ્તાઓની આદર્શ સફાઈની આ કામગીરી ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા બાદ મોડી રાત્રિ સુધી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીમાં પ્લાસ્ટીક વેસ્ટ રીકવરી માટેની કામગીરી સોંપવામાં આવેલ NEPRA એજન્સી અને અન્ય સંસ્થાઓનાં સહયોગથી રથયાત્રામાં ઉપયોગમાં લેવામાં આવેલ 10000 થી વધુ PET બોટલો એકત્ર કરવા માટેની કામગીરી પણ કરાવવામાં આવી હતી.

ભગવાનની આ રથયાત્રામાં રસ્તા પર કચરો ન કરવા અને પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ના કરવા અંગેની સમજુતિ – જાણકારી આપતાં ટેબ્લો વાહન અને LED વાહન મારફતે સ્વચ્છતાનો સંદેશો આપતી વિડીયો મૂવીએ પણ અનોખુ આકર્ષણ ઉભું કરેલ. સોલિડ વેસ્ટ મેનેજમેંટ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ RRR – રીયુઝ, રીયુઝ અને રીસાયકલની

અસરકારક જન-જાગૃતિના કારણે આ વખતની રથયાત્રામાં નાગરીકોએ સહકાર આપી ઓછી માત્રામાં કચરો ઉત્પન્ન કરેલ જે અંદાજિત 30 મેટ્રીક ટન જેટલો જ થયો હતો.

શહેરમાં ઘાટલોડીયા ખાતે ત્રિપદા સ્કૂલથી તથા બોડકદેવ ખાતે ગુરુકુળ સ્વામિનારાનયણ મંદિર અને જોધપુર વોર્ડમાં ઇસ્કોન મંદિર દ્વારા એમ 03 જગ્યાઓએ નીકળવામાં આવેલ ભગવાનની રથયાત્રાઓમાં પણ અ.મ્યુ.કો.નાં સ્વચ્છતા જન-જાગૃતિ માટેના ટેબલો વાહનો અને સ્વચ્છતા મેસકોટ અને પ્લાસ્ટીક ભૂત ટોળી અનેરું આકર્ષણ બની રહેલ હતા.રથયાત્રાનાં રસ્તાઓને સ્વચ્છ રાખવાના પ્રયાસમાં નાગરીકોએ નિભાવેલ જવાબદારી માટે સોલિડ વેસ્ટ મેનેજમેંટ વિભાગ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.