અમદાવાદમાં 10 સ્થળે વિડીયો મીનીટરીંગ સીસ્ટમ મુકવામાં આવશે
મ્યુનિ. કોર્પોરેશન નાગરિકોને વિનામૂલ્યે કાપડની બેગ આપશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ૮ વર્ષની બાળકી કોન્ટ્રાકટરે ખોદેલા ખાડામાં પડી જતાં તેનુ કરૂણ મૃત્યુ થયું હતું આવી દુર્ઘટનાઓ ફરી વારંવાર ન થાય તેને ધ્યાનમાં લઈ કોર્પોરેશન દ્વારા નવી એસઓપી તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં નવા ર હજાર સીસીટીવી માટેના ટેન્ડર પણ ટુંક સમયમાં જાહેર કરાશે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ કેટલાક સ્થળે કોન્ટ્રાકટરો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યા બાદ યોગ્ય બેરીકેટીગ કરવામાં આવતું નથી જેના કારણે નાના મોટા અકસ્માત થવાની શકયતા રહે છે તેથી આ અંગે એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે જેમાં કોન્ટ્રાકટરે કામ કરતી વખતે કઈ વસ્તુનો અમલ કરવો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેનો ચુસ્તપણે અમલ થાય તે માટે ટુંક સમયમાં જ નાગરિકોને કાપડની થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન ૧૦ સ્થળે વિડીયો મોનીટરીંગ સીસ્ટમ ઈન્સ્ટોલ કરશે જેના કારણે શહેરની ટ્રાફિક અને હવામાન સહિતની તમામ વિગતોનું સતત મોનીટરીંગ થતું રહેશે.
કોર્પોરેશન દ્વારા શહેરના તમામ નાના મોટા જંકશનો પર અને તમામ બ્રીજ પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે આગામી સમયમાં વધુ ર હજાર સીસીટીવી ખરીદી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.