Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશનરના મનસ્વી નિર્ણયોથી શરમજનક સ્થિતિમાં મૂકાતો શાસક પક્ષ

ખારીકટ કેનાલ, વટવા આવાસ ડીમોલીશન, બહેરામપુરા સીઈટીપી, વિજય પટેલનું પ્રમોશન જેવા વિવાદાસ્પદ નિર્ણયોથી હોદ્દેદારોને જવાબ આપવા ભારે પડ્યા

બહેરામપુરામાં આસ્ફા માટે તૈયાર કરવામાં આવેલ ૩૦ એમએલડી સીઈટીપીમાં કોર્પોરેશનને રૂ.૧૦૦ કરોડ કરતા વધુ રકમનું નુકશાન થયું છે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર પદે એમ. થેન્નારસનની નિમણુંક થઈ ત્યારે એમ માનવામાં આવતું હતું કે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહેશે તેમજ કોર્પોરેશનમાંથી ભ્રષ્ટાચાર ઓછો થશે.

પરંતુ આ તમામ આશાઓ ઠગારી નીવડી છે અને તેમના કાર્યકાળ દરમિયાન કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. નાગરિકો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહયા છે તેમણે કરેલા સત્તાના દુરૂપયોગનો ભોગ સત્તાધારી પાર્ટી બની રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિ. કમિશનર પદે એમ. થેન્નારસનની નિમણુંક થયા બાદ તેમણે લીધેલા મનસ્વી નિર્ણયોના કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહયા છે. આ અગાઉ ર૦૧૬માં તેઓ ડેપ્યુટી કમિશનર પદે ફરજ બજાવી ચુકયા હોવાથી એમ માનવામાં આવતું હતું કે તેમનો અનુભવ શહેરીજનો માટે ફાયદાકારક નીવડશે પરંતુ તે બાબત ખોટી સાબિત થઈ છે.

મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને તેમની સત્તાના ઉપયોગ કે દુરઉપયોગથી લીધેલા પાંચ સાત નિર્ણય બુમરેગ સાબિત થયા છે અને તેનો જવાબ આપવો શાસક પક્ષને પણ ભારે પડી રહયો છે. જેમાં હાલ જે બાબતનો વિવાદ ચાલી રહયો છે તે વટવા આવાસ યોજના મુખ્ય છે. મ્યુનિ. કમિશનરને તેમની સત્તાના ઉપયોગ કે દુરુપયોગ કરી ૧પ જુલાઈ ર૦ર૩ના રોજ આ મકાનો તોડવા માટેની ફાઈલ પર સહી કરી હતી

પરંતુ આ અંગે સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ કોઈ દરખાસ્ત તેમણે રજુ કરી ન હતી અને છેક સુધી મતલબ કે ગઈકાલ સુધી શાસક પક્ષને પણ અંધારામાં રાખ્યો હતો જેના કારણે આજે શાસક પક્ષને જવાબ આપવો ભારે પડી રહયો છે. હાટકેશ્વર બ્રીજ પણ મુખ્ય છે. હાટકેશ્વર બ્રીજ અંગે વ્યાપક ઉહાપોહ થયો ત્યાં સુધી કમિશનર નિદ્રાધીન અવસ્થામાં હતા ત્યારબાદ અનેક પ્રકારના ટેસ્ટ કરાવ્યા બાદ તેમણે જાહેરાત કરી હતી

કે ત્રણ મહિનામાં જ બ્રીજ તોડી પાડવામાં આવશે જેનો અમલ હજી સુધી થયો નથી અને હવે હાટકેશ્વરબ્રીજ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે તેમ છતાં તેઓ નીંદ્રામાં જ છે તેવી જ રીતે બહેરામપુરામાં ૩૦ એમએલડી સીઈટીપીનો મામલોએ પણ ભાજપના એક નેતાનો ભોગ લીધો છે. બહેરામપુરામાં આસ્ફા માટે તૈયાર કરવામાં આવેલ ૩૦ એમએલડી સીઈટીપીમાં કોર્પોરેશનને રૂ.૧૦૦ કરોડ કરતા વધુ રકમનું નુકશાન થયું છે

અને સીઈટીપીમાં વધુ પ્રમાણમાં દુષિત પાણીની આવક થતી હોવાના કારણે પેરામીટર્સ જળવાતા ન હતાં. આ અંગે અનેક મીટીંગો થયા બાદ અંતે સીઈટીપી બંધ કરવાની ફરજ પડી છે. આ સીઈટીપીના કારણે જ ભાજપના પૂર્વ પ્રભારીનો ભોગ લેવાયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

રાજય સરકારની મદદથી એશિયાની સૌથી મોટી કચરાપેટી ગણાતી ખારીકટ કેનાલનું રૂ.૧ર૦૦ કરોડના ખર્ચથી કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં સત્તાધારી પાર્ટીને વિશ્વાસમાં લીધા વિના જ ડીઝાઈનમાં ફેરફાર કરી કોન્ટ્રાકટરને ફાયદો કરાવવામાં આવ્યો હતો. જે અંગે પણ કોંગ્રેસ પક્ષે ભારે વિરોધ કર્યો હતો અને વિપક્ષી નેતાએ બોર્ડમાં આ અંગે સવાલ પુછતા સત્તાધારી પાર્ટી ફિક્સમાં મુકાઈ ગઈ હતી અંતે કમિશનરે ડીઝાઈનમાં ફેરફાર કર્યો હોવાની બાબતનો સ્વીકાર કર્યો હતો.

તેવી જ રીતે થોડા સમય પહેલા સુરતની એક કંપનીને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કોન્ટ્રાકટર આપવા માટેની અત્યંત વિચિત્ર કહી શકાય તેવી દરખાસ્ત તેમણે રજુ કરી હતી જેમાં કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટરને દૈનિક રૂ.૬૦ લાખ ચુકવવાના થતા હતાં પરંતુ શાસક પક્ષની જાગૃતત્તાને કારણે આ દરખાસ્ત મંજુર કરવામાં આવી ન હતી અને કોર્પોરેશનની તિજોરીને નુકશાન થતું અટકયું હતું.

મ્યુનિ. કમિશનરે સત્તા સંભાળ્યા બાદ સૌ પ્રથમ કામ શહેરીજનો પર કરબોજ નાંખવાનું કર્યું છે તેમાં પણ દર વર્ષે બે ટકાનો નિશ્ચિત વધારો કરી નાગરિકોને અંધારામાં રાખ્યા છે અને શાસક પક્ષને આ અંગે જવાબ આપવો ભારે પડી રહયો છે. આ ઉપરાંત કર્મચારીઓના પ્રમોશન કે સત્તાની વહેંચણી માટે પણ વ્હાલા દવલાની નીતિ અપનાવી છે.

ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અગાઉ જયારે તેઓ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર પદે હતા એ સમયે તેમના માનીતા ઈજનેર અધિકારી વિજય પટેલને તેમણે સીધા સીટી ઈજનેર બનાવી દીધા છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે વિજય પટેલ પાસે પુરતો અનુભવ અને લાયકાત પણ નથી. જે સમયે તેમને સીટી ઈજનેરનો હવાલો સોંપવામાં આવ્યો તે સમયે તેઓ એડીશનલ ઈજનેરના પ્રોબેશન પર હતા તેમ છતાં તેમને ઈન્ચાર્જ સીટી ઈજનેર બનાવ્યા છે જેના માઠા પરિણામ ચોમાસામાં શહેરીજનોએ ભોગવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.