AMC દ્વારા છ મહિનામાં જ અર્બન હેલ્થ સેન્ટરમાં રૂ.૨૩ કરોડના ટેસ્ટ નિઃશુલ્ક કરાયા
નગરજનોને ઉત્તમ મેડિકલ સુવિધા આપવા તંત્ર મક્કમઃ નવા રાણીપ ખાતેના અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોએ સૌથી વધુ ૪.૦૯ લાખ ટેસ્ટ કરાવ્યા
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓની આરોગ્ય સુખાકારી માટે દર વર્ષે કરોડો રૂપિયાનેા ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
ચોમાસાની ઋતુ દરમિયાનના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા સામેની લડત કહો કે પછી વિવિધ મ્યુનિસિપલ દવાખાનાં અને હોસ્પિટલોમાં લોકોને અપાતી મફત સારવાર ગણો પણ તંત્ર લોકોને સારામાં સારી મેડિકલ સુવિધા આપવા માટે હંમેશા આગળ પડતું રહ્યું છે.
મ્યુનિસિપલ કોર્પાેરેશન સંચાલિત શહેરમાં આવેલાં કુલ ૮૨અર્બન હેલ્થ સેન્ટરમાં નાગરિકોના વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવે છે. પોતાના ઘર નજીક આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં નાગરિક તાવ, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, એચઆઈવી,
ટીબી, કિડની, બ્લડશુગર, લિવર સહિતના રોગોને લગતા વિવિધ પ્રકારના મોંઘાદાટ ટેસ્ટને સાવ ફ્રીમાં કરાવી રહ્યા છે. ખુદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગના એક સત્તાવાર રેકોર્ડમાં દર્શાવ્યા મુજબ ચાલુ વર્ષ ૨૦૨૩ના છેલ્લા છ મહિનામાં અર્બન હેલ્થ સેન્ટરમાં રૂ.૨૩ કરોડના ખર્ચે વિવિધ ટેસ્ટ નિઃશુલ્ક કરાયા છે.
શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનનાં આંબાવાડી, ચાંદખેડા, કાળી, નારણપુરા, નવા વાડજ, નવરંગપુરા, નવા રાણીપ, નવા આંબાવાડી, જૂના વાડજ, પાલડી, રાણીપ, સાબરમતી, સ્ટેડિયમ, નવા વાસણા અને વાસણા એમ કુલ ૧૫ સ્થળોએ અર્બન હેલ્થ સેન્ટર ધમધણી રહ્યાં છે.
આ અર્બન હેલ્થ સેન્ટરો પૈકી નવા રાણીપ અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોએ સૌથી વધુ ૪,૦૯,૭૫૭ ટેસ્ટ કરાવીને અનોખી જાગૃતિ દાખવી છે. નવા રાણીપમાં સીબીસીના ૪૪૬ ટેસ્ટ, યુરિનના ૨૮૮, હિમોગ્લોબિનના ૪૬૦, બ્લડ ગ્રૂપના ૨૨૦, બ્લડશુગરના ૧,૩૮૨,
આરડીટીના ૧,૧૯૨, ટીબીની તપાસને લગતા સ્પૂટમ એએફબીના સૌથી વધુ ૪,૦૪,૯૬૩ ટેસ્ટ, ડેન્ગ્યુના ત્રણ ટેસ્ટ, ચિકનગુનિયાનો એક ટેસ્ટ, થેલેસેમિયાના ૫૫ કેસ, એચઆઈવીના ૨૪૭ અને લિવરને લગતા વિવિધ ટેસ્ટ મળીને કુલ ૪,૦૯,૭૫૭ ટેસ્ટ કરાયા હતા. પશ્ચિમ ઝોનના સાબરમતીના અર્બન હેલ્થ સેન્ટરમાં સૌથી ઓછા ૨૫૪૧ ટેસ્ટ કરાયા હોવાની વિગત પ્રકાશમાં આવી છે.
જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનના આંબલી, બોડકદેવ, ચાંદલોડિયા, બોપલ, ઘાટલોડિયા, ગોતા, નવા ગોતા અને થલતેજ એમ કુલ આઠ અર્બન હેલ્થ સેન્ટર પૈકી સૌથી વધુ થલતેજ અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૦,૫૭૧ ટેસ્ટ અને આંબલી અર્બન હેલ્થ સેન્ટરમાં સૌથી ઓછા ૩,૫૧૩ ટેસ્ટ કરાયા હોવાની વિગત જાણવા મળી છે.
બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટરમાં ૫,૬૧૫. ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં ૫,૧૬૭, બોપલ અર્બન હેલ્થ સેન્ટરમાં ૩,૯૩૮, ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં ૪,૭૬૮, ગોતા અર્બન હેલ્થ સેન્ટરમાં ૬,૮૫૬ નવા ગોતા અર્બન હેલ્થ સેન્ટરમાં ૫,૯૧૦ ટેસ્ટ કરાયા હોવાની વિગત જાણવા મળી છે.
આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિસિપલ હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલ કહે છે, શહેરનાં આ તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ગત તા.૧ જાન્યુઆરી, ૨૦૨૩થી ૩૦ જૂન, ૨૦૨૩ સુધીના સમયગાળામાં એટલે કે છેલ્લા છ મહિનામાં ૯,૧૩,૭૦૨ ટેસ્ટ કરાયા છે.
એક ટેસ્ટનો સરેરાશ રૂ.૨૫૦નો ચાર્જ ગણીએ તો છેલ્લા છ મહિનામાં નાગરિકોના અંદાજે રૂા.૨૩ કરોડના ટેસ્ટ નિઃશુલ્ક કરાવાયા છે. બીજા અર્થમાં નાગરિકોના વિવિધ રોગની તૈયારી માટે મ્યુનિ.તિજાેરીમાંથી માત્ર છેલ્લા છ મહિનામાં રૂ.૨૩ કરોડની જંગી રકમ ખર્ચાઈ છે.
નવા રાણીપ બાદ જાેધપુર અર્બન હેલ્થ સેન્ટરમાં સૌથી વધુ ૧૬,૯૪૭ ટેસ્ટ કરાયા હતા. બહેરામપુરામાં ૧૩,૪૪૮, વિરાટનગર અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૪,૦૩૨, દૂધેશ્વર અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૦,૮૩૮, રામોલ-૨ અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૧,૦૮૧, વસ્ત્રાલ અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૪,૦૩૨, રખિયાલ અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૧,૬૧૫ અને માધુપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૦,૪૪૮ ટેસ્ટ કરાયા હોવાનું હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલે વધુમાં જણાવ્યું હતું.