Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોન્ટ્રાક્ટરને ઘી-કેળાઃ અન્ડરપાસમાંથી વરસાદી પાણીના નિકાલ માટે ૪ મહિના ના બદલે ૩૬ મહિનાનો કોન્ટ્રાક્ટ આપ્યો

File Photo

અગાઉના વર્ષોની સરખામણીએ બમણી રકમ ચૂકવાશે

( દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન પહેલા પ્રિ મોનસુન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે જેના માટે અંદાજે રૂ.૨૦ થી ૨૫ કરોડ ખર્ચ કરવામાં આવે છે પરંતુ પહેલા વરસાદમાં જ તંત્રનો પ્લાન ધોવાઈ જાય છે જેનું મુખ્ય કારણ કામની અંદર રહેલો ભ્રષ્ટાચાર હોવાનું માનવામાં આવે છે

ચાલુ વર્ષે પણ એક્શન પ્લાનના કામોમાં મોટા પાય ભ્રષ્ટાચાર થયો હોવાની વિગત બહાર આવી છે ખાસ કરીને અન્ડર પાસમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મૂકવામાં આવતા પંપના કામમાં ગત વર્ષની સરખામણીએ રૂપિયા ૭૫ લાખ કરતા વધુ ચૂકવવામાં આવી રહી છે જયારે ૨૦૨૩ ની સરખામણીએ બમણી રકમ ચુકવવામાં આવશે.

નોંધપાત્ર બાબત એ છે કે અગાઉના બે વર્ષ કરતા વધુ રકમ ચૂકવાય છે પરંતુ અન્ડરપાસ ની સંખ્યા ઘટી છે. જયારે રેલવે અન્ડરપાસ માટે ચોમાસાના ૪ મહિનાના બદલે સીધો ૩૬ મહિનાનો જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ બંને કોન્ટ્રાક્ટ એક જ પાર્ટીને આપવામાં આવ્યો છે.આ ઉપરાંત પંપ પણ કોર્પોરેશન ઘ્વારા જ આપવામાં આવશે. તેથી કોન્ટ્રાક્ટરે અન્ડરપાસ દીઠ માત્ર બે કર્મચારી જ મૂકવાના રહેશે જેના માટે દર મહિને લાખો રૂપિયા નું પેમેન્ટ કરવામાં આવશે.

અમદાવાદ શહેરના અંડરપાસ સામાન્ય વરસાદ માં જળબંબાકાર થઈ જાય છે. જેના કારણે નાગરિકો ને ભારે હાલાકી થયા છે. સદર સમસ્યાના નિવારણ માટે તંત્ર ઘ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પમ્પ મૂકવામાં આવે છે. ૨૦૨૫ ના વર્ષમાં ૧૦ અન્ડરપાસ માટે રૂ.૭૫ લાખ નું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. મતલબ કે, એક અન્ડરપાસ માટે રૂ.૭.૫૦ લાખ આપવામાં આવશે.

જયારે રેલવેના અન્ડરપાસ માટે એસ.ટી.પી.વિભાગના અધિકારીએ ડાયરેક્ટ ત્રણ વર્ષ નો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. વર્ષ દરમ્યાન ચોમાસાના ચાર મહિના હોય છે. તેમાં પણ ધોધમાર કહી શકાય તેવો વરસાદ માંડ ૭-૮ દિવસ જ આવે છે. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા રેલવે અન્ડરપાસ માટે ૩૬ મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેના પેટે કોન્ટ્રાકટર ને રૂ.ત્રણ કરોડ ચુકવવામાં આવશે.

જો કે, ત્રણ વર્ષ દરમ્યાન કોન્ટ્રાક્ટરે ફક્ત ૪ મહિના ચોમાસા મુજબ ગણતરી કરીએ તો માત્ર ૧૨ મહિના જ કામ કરવાનું રહેશે જયારે ૨૪ મહિના નું સલીયાનું એસ.ટી.પી. અધિકારી ઘ્વારા આપવામાં આવશે. ૨૦૨૩ ના વર્ષ દરમ્યાન રેલવે અને કોર્પોરેશન ના કુલ ૧૮ અન્ડરપાસ માટે રૂ.૮૦ લાખ ચૂકવ્યા હતા જયારે ૨૦૨૪ માં ૧૭ અન્ડરપાસ માટે રૂ.૧.૨૧ કરોડ ચુકવવામાં આવ્યા હતા.

અહીં એ બાબત ની નોંધ લેવી રહી કે છેલ્લા ઘણા વર્ષોથી ટેન્ડરની શરતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. અમદાવાદ શહેરના તેમજ રેલવેની જગ્યામાં આવતા અન્ડરપાસ માં ચોમાસામાં વરસાદી પાણી ભરાય તયારે તેના નિકાલ માટે પમ્પ મૂકવામાં આવે છે જેના ઓપરેશન-મેઇન્ટેન્સ માટે ૫ મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.

ટેન્ડરની શરત મુજબ પમ્પ કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટરે જમાલપુર સ્ટોર્સ માંથી પમ્પ લઈ જે તે અન્ડરપાસ માં મૂકવાના જ રહે છે. આ ઉપરાંત અન્ડરપાસ દીઠ બે કર્મચારીઓ પણ ૨૪ કલાક માટે મૂકવાના રહેશે. જો કોઈ પમ્પ બગડી જાય તો તેના રિપેરિંગ કોન્ટ્રાકટરે કરવાના રહે છે. જો કે, ૫ મહિના માં આવી સ્થિતિ સર્જાતી નથી.

જો ભૂલેચૂકે એકાદ પમ્પ બગડી જાય તો તેનો રીપેરીંગ ખર્ચ માંડ રૂ.૧૫ થી ૨૯ હજાર થાય છે.આમ, કોન્ટ્રાકટર માટે તમામ પ્રકારે લાલ જાજમ બિછાવવામાં આવે છે. તેમજ ૫ મહિનામાં રૂ.એક કરોડ કરતા વધુ રકમ ચૂકવાય છે.

અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે મોટાભાગના અન્ડરપાસમાં કોર્પોરેશન તરફથી દરવાજા ફિટ કરવામાં આવ્યા છે તેથી અકસ્માત નું જોખમ ઘટી ગયું છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાય તો તેના માટે પેનલ્ટી ની કોઈ જ શરત રાખવામાં આવતી નથી. મતલબ કે, બધી મલાઈ માત્ર કોન્ટ્રકટર માટે જ રિઝર્વ રાખવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરના અંડરપાસ સામાન્ય વરસાદ માં જળબંબાકાર થઈ જાય છે. જેના કારણે નાગરિકો ને ભારે હાલાકી થયા છે. સદર સમસ્યાના નિવારણ માટે તંત્ર ઘ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પમ્પ મૂકવામાં આવે છે. ૨૦૨૫ ના વર્ષમાં ૧૦ અન્ડરપાસ માટે રૂ.૭૫ લાખ નું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. મતલબ કે, એક અન્ડરપાસ માટે રૂ.૭.૫૦ લાખ આપવામાં આવશે. જયારે રેલવેના ૭કે ૮ અંડરપાસ માં આવી સમસ્યા જોવા મળે છે તે અંડરપાસ માં જ પમ્પ મૂકાય છે એ ઉપરાંત ૯ રેલવે અંડરપાસ માં પણ પમ્પ મૂકવામાં આવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.