RCC રોડના બદલે ડ્રેનેજ લાઈનના કામ કરાવી કોન્ટ્રાકટરને 42 લાખનો ફાયદો કરાવ્યો
મધ્યઝોન ઈજનેર વિભાગે શાહીબાગ વોર્ડમાં થયેલ કૌભાંડ
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મજબુત સાંઠગાંઠના પરિણામે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહયો છે આ પ્રકારના અનેક ઉદાહરણો બહાર આવે છે પરંતુ મધ્યઝોન ઈજનેર વિભાગમાં એક અલગ જ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે
જેમાં કોન્ટ્રાકટરના લાભાર્થે આરસીસી રોડના ટેન્ડર મંજુર કરી ડ્રેનેજના કામ કરવામાં આવ્યા હતા જેના પરિણામે કોન્ટ્રાકટરને લગભગ રૂા.૪પ લાખનો સીધો ફાયદો થયો છે. આ કૌભાંડની વિજીલન્સ તપાસ માટે પણ માંગણી થઈ રહી છે.
મધ્યઝોનના શાહીબાગ વોર્ડમાં જુલાઈ ર૦ર૦માં આરસીસી રોડ માટે સ્ટેન્ડીગ કમિટિની મંજુરીથી રૂા.ર૪૪૬૧૩૬૪નું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું જેનો મુળ અંદાજ રૂા.ર.ર૮ કરોડ હતો આમ અંદાજ કરતા ૭.ર૦ ટકા વધુ ભાવથી આરસીસી રોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું
પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ટેન્ડર મંજુર થઈ ગયા બાદ અધિકારીઓએ આરસીસી રોડના બદલે અલગ-અલગ ૧ર જેટલા ડ્રેનેજ લાઈનના કામ કરાવ્યા હતાં જેના માટે રૂા.૧.૦૧ કરોડનો ખર્ચ થયો હતો મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ દ્વારા આરસીસી રોડ માટે જે ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું
તે ટેન્ડરની રકમથી ડ્રેનેજ લાઈનના કામ કરવામાં આવતા કોન્ટ્રાકટરને સીધે સીધો રૂા.૩પ લાખનો ફાયદો થયો હતો. એક અંદાજ મુજબ જે સમયે મધ્યઝોન ઈજનેર વિભાગ દ્વારા આરસીસી રોડના ટેન્ડરમાંથી ડ્રેનેજના કામ કરવામાં આવ્યા તે સમયે ડ્રેનેજ લાઈનના કામોમાં ૩પટકા ઓછા ભાવથી ટેન્ડર મંજુર થતા હતાં
જયારે આ કેસમાં ઈજનેર વિભાગના અધિકારીઓએ આરસીસી રોડ માટે ૭.ર૦ટકા વધુ ભાવ આપી ડ્રેનેજ લાઈનનું કામ કરાવતા કોન્ટ્રાકટરને સીધે સીધા ૪ર.૭૦ ટકાનો ફાયદો થયો હતો જેની રકમની ગણતરી કરવામાં આવે તો કોન્ટ્રાકટરને રૂા.૪ર.૭૦ લાખનો ફાયદો અધિકારીઓએ કરાવી આપ્યો હતો
આ તમામ કામ સપ્ટેમ્બર-ર૦ર૦થી જુલાઈ-ર૦ર૧ દરમિયાન ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરના અલગ અલગ ઠરાવ દ્વારા કરવામાં આવ્યા હતાં. ચોંકાવનારી બાબત એ છે કે આ તમામ કામના બીલો પણ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર ઠરાવથી ચુકવવામાં આવ્યા છે જેનો સીધો મતલબ એ થાય છે કે સ્ટેન્ડિગ કમિટિની મંજુરીને અભેરાઈએ ચઢાવી મધ્યઝોન ઈજનેર વિભાગના અધિકારીઓએ તત્કાલીન ડેપ્યુટી કમિશ્નરને ગેરમાર્ગે દોરી ખોટા ઠરાવ કરાવી અને કોન્ટ્રાકટરને રૂા.૪૩ લાખનો ફાયદો કરાવ્યો છે.