Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ.કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ કરવા સરકારે એડવાન્સ ગ્રાન્ટ આપી

ઓકટ્રોય ગ્રાન્ટ પેટે રૂ.૨૭૯ કરોડ મળતા મનપા અને કોન્ટ્રાક્ટરોની દિવાળી સચવાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાણાકીય પરિસ્થિતિ રહી છે ચાલુ નાણાકીય વર્ષમાં સત્તાધારી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ બજેટના કામો પણ પૂર્ણરૂપે શરૂ થયા નથી તેમ જ અગાઉના કામો મંથર ગતિએ ચાલી રહ્યા છે વિધાનસભા ચૂંટણીની ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ સત્તાધારી પાર્ટીએ માત્ર રોડ રસ્તાના કામો પર ધ્યાન આપ્યું હતું.

તેમજ રોડ કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ ચૂકવવા બાબતે સુચના આપી હતી જેના કારણે અન્ય વિભાગના પેમેન્ટ થયા ન હતા. જેના કારણે કોન્ટ્રાક્ટરોની દિવાળી બગડે એવો માહોલ સર્જાયો હતો પરંતુ રાજ્ય સરકારે ઓકટ્રોય ગ્રાન્ટ એડવાન્સમાં આપતા કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશનની દિવાળી સચવાઈ ગઈ હતી.

અમદાવાદ શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ રાજ્ય સરકાર તરફથી દર મહિને અવેજી ગ્રાન્ટ આપવામા આવે છે.સરકાર તરફથી માસિક રૂ.૯૩ કરોડ ઓકટ્રોય ગ્રાન્ટ મળે છે. દિવાળી સમયે કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પૂરતા પ્રમાણમાં ફંડ નહતું.

જેના કારણે પેમેન્ટ થાય તેવી શક્યતા નહિવત હતી. પરંતુ સરકાર ઘ્વારા આવા કપરા સમયે ત્રણ મહિના ની ગ્રાન્ટ એકસાથે આપવામા આવતા મનપા ની ઈજ્જત સચવાઈ હતી. મ્યુનિસિપલ સૂત્રોએ જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ત્રણ મહિનાની ગ્રાન્ટ પેટે રૂ.૨૭૯ કરોડ એડવાન્સ આપ્યા હતા.

જેના કારણે કોન્ટ્રાક્ટરોના બાકી રૂ.૨૫૦ કરોડના પેમેન્ટની ચુકવણી થઈ હતી. હવે, કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ પેટે માટે રૂ.૧૨૫ કરોડ ચૂકવવાના બાકી છે. જે આગામી સપ્તાહ દરમિયાન સ્વર્ણિમ ની ગ્રાન્ટ માંથી ચુકવાઈ જશે. રાજ્ય સરકાર પાસે ૭૦ઃ૨૦ઃ૧૦ યોજના પેટે રૂ.૭૫ કરોડ લેવાના બાકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ની નાણાકીય સ્થિતિ હાલ સમતોલ છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.