ટેન્ડર શરત મુજબ કામ ન કરતા કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી કરવા આદેશ
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં ચાલતી ગેરરીતિઓ સામે એચઓડી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે જેના કારણે મોટાપાયે આર્થિક નુકસાન થાય છે જ્યારે પ્રજાકીય કામો અટવાતા રહે છે.
નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સાંભળ્યો તે સમયથી રોડ અને અન્ય વિભાગોમાં ચાલતી બેદરકારી સામે કડક કાર્યવાહી શરૂ કર્યું છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોમાં કોન્ટ્રાક્ટરોની લાલીયાવાડી બહાર આવી છે. મ્યુનિસિપલ કમિશનરે ૩૬ વો.ડી.સેન્ટરના કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ લીધા બાદ એમ. થેન્નારસન શહેરના તમામ ઝોનમાં રાઉન્ડ પર નીકળી કામગીરી અંગે તપાસ કરે છે. મ્યુનિસિપલ કમિશનર શનિવાર સવારે હેલમેટ જંકશન પાસે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પહોંચી ગયા હતા અને ત્યાં કોન્ટ્રાક્ટરને કેટલા માણસો હાજર છે તે અંગેની તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ત્યાં માત્ર એક જ માણસ હાજર હોવાનું જણાયું હતું. કોન્ટ્રાક્ટની શરતો અનુસાર માણસો હાજર ન હોવાનું જણાતા કમિશનરે તાત્કાલિક વિજિલન્સ વિભાગને તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં જઈને ચકાસણી કરવા માટે સુચના આપી હતી.
અમદાવાદ શહેરમાં આવેલા કુલ ૨૪૫ જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પૈકી શનિવારના રોજ ૩૬ જેટલા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર વિજિલન્સની ટીમ તપાસ માટે પહોંચી હતી. ટીમ દ્વારા તપાસ કરતા તમામ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર ટેન્ડરની શરતો પ્રમાણેના માણસો હાજર ન હોવાનું જણાઈ આવ્યું હતું.
જેથી આ અંગેનો રિપોર્ટ મ્યુનિ. કમિશરને કરવામાં આવતા તેમણે તાત્કાલીક કોન્ટ્રાક્ટરોને મોટી પેનલ્ટી કરવા માટે સુચના આપી હતી. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર કર્મચારીઓની ઓછી હાજરીની ગેરરિતી ધ્યાને આવતા કમિશનર હવે બીજા વિકલ્પની વિચારણા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
જેમાં શહેરમાં કરોડોના ખર્ચે સ્કાડા નેટવર્ક સિસ્ટમ નાંખવામાં આવેલી છે તેનો ઉપયોગ કરવામાં આવે તો પમ્પ જાતે જ ચાલુ અને બંધ કરી શકાય તેમ છે. જેથી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર કર્મચારીઓના કામગીરી આપવાના બદલે સ્કાડા સિસ્ટમથી જ કામગીરી કરવામાં આવે તે વધુ હિતાવહ જણાતા કમિશનર દ્વારા ડિપાર્ટમેન્ટને સુચના આપી છે કે સ્કાડા સિસ્ટમ શરૂ કરવા માટે કવાયત કરવામાં આવે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.