AMC દ્વારા 2000 સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સાથે 3200 વાર જગ્યામાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયું

સ્પાઇડર લીલી, મોગરો, જાસૂદ, ગ્રીન-ટી, ફાઉન્ટેન ગ્રાસ, ચીકુ, જાંબુ, જામફળ, કલ્પવૃક્ષ જેવા છોડ પણ રોપવામાં આવ્યા- મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરાયું
AMC દ્વારા પીપીપી મોડેલ હેઠળ 2000 સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સાથે 3200 વાર જગ્યામાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનના પ્રહ્લાદનગર ખાતે નવનિર્મિત કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાયું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે 3200 વાર જગ્યામાં આ અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરાયું છે, જેમાં આશરે 2000 સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સામેલ છે. આ ઉપરાંત સ્પાઇડર લીલી, મોગરો, જાસૂદ, ગ્રીન-ટી, ફાઉન્ટેન ગ્રાસ, ચીકુ, જાંબુ, જામફળ, કલ્પવૃક્ષ જેવા છોડ પણ રોપવામાં આવ્યા છે તથા પક્ષીઓ માટે સિંગાપુરી ચેરી પણ ઉગાડવામાં આવ્યા છે.
આ અર્બન ફોરેસ્ટની વિશેષતા વિશે વાત કરીએ તો, અહીંનો રસ્તો ઇકો-ફ્રેન્ડલી કોંક્રિટ સાથે તૈયાર કરાયો છે. પક્ષીઓ માટે ખાસ તળાવ પણ બનાવાયું છે. વધુમાં અહીં વરસાદી પાણીના સંગ્રહ માટે પરિસરની અંદર ખંભાતી કૂવો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે બાળકો માટે ફાર્મિંગ શીખવા સ્થળ બનાવાયું છે જેથી તેઓ હોમ ફાર્મિંગ પણ કરી શકે.
આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, અમદાવાદ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની તથા મ્યુનિ. અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.