Western Times News

Gujarati News

મ્યુનિ. તંત્રની બલિહારીઃ ડેપ્યુટી કમિશનર ગ્રેજયુએટ આસિ. મેનેજર MBA-CS

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની જગ્યા માટે ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહયો છે. ર૦૦૯માં બારની ભરતીથી બે જણની પસંદગી થયા બાદ કોર્પોરેશન દ્વારા કોઈ જ નવી ભરતી કરવામાં આવી નથી. જેનો લાભ લઈ રાજય સરકારે એક સાથે ઘણા બધા અધિકારીઓની ડેપ્યુટી કમિશનર તરીકે નિમણુંક કરી હતી

જેની સામે કોર્ટ કાર્યવાહી થયા બાદ ૪ + ૪ ની ફોર્મ્યુલા પર મહોર લગાવવામાં આવી હતી જેમાં રાજય સરકારે તેની મરજી મુજબ ફેરફાર કર્યા હતાં. ચોંકાવનારી બાબત એ છે કે ડેપ્યુટી કમિશનરના હોદ્દા માટે ફોર્મ્યુલામાં ફેરફાર થયા બાદ પણ કોર્પોરેશન દ્વારા કોઈ જ નવી ભરતી કરવામાં આવી નથી. અંતે લાંબા સમય બાદ ત્રણ ડેપ્યુટી કમિશનરની જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ડેપ્યુટી કમિશનરના પદ માટે જે લાયકાત નકકી કરવામાં આવ્યા છે તે આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા કરતા પણ ઘણી ઓછી લાયકાતો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાજય સરકાર સમક્ષ ૪ + ૪ ની ફોર્મ્યુલા મંજુરી માટે મોકલવામાં આવી હતી જેમાં રાજય સરકારે સુધારો કરી ૮ + ૪ ની મંજુરી આપી હતી. મતલબ કે રાજય સરકાર ડેપ્યુટી કમિશનર પદ પર ૮ અધિકારીઓની નિમણુંક કરશે જયારે મ્યુનિ. કોર્પોરેશન ૪ ડેપ્યુટી કમિશનરની નિમણુંક કરી શકશે. હાલ મ્યુનિ. કોર્પોરેશનના જ કર્મચારી પરંતુ બહારની ભરતીથી પસંદ કરવામાં આવેલ આર્જવ શાહ એક માત્ર કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી રહયા છે.

તેથી બાકીની ત્રણ જગ્યા ભરવા માટે કોર્પોરેશને અરજીઓ મંગાવી છે જેમાં બે જગ્યા કોર્પોરેશનના કર્મચારીઓમાંથી અને એક જગ્યા બહારથી ભરવામાં આવશે. જેમાં કોર્પોરેશનના કર્મચારી પણ અરજી કરી શકશે. પરંતુ અહીં ઉંડીને આખે વળગે તેવી બાબત એ છે કે ડેપ્યુટી કમિશનર જેવા ઉચ્ચ હોદ્દા માટે કોર્પોરેશને વર્ષોથી જે લાયકાત નકકી કરી છે

તે મુજબ ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના પ્રથમ શ્રેણીના સ્નાતક અથવા તો ગ્રેજયુએટ હોવા જોઈએ તેમજ ઓછામાં ઓછો ૭ વર્ષનો વહીવટી અનુભવ હોવો જોઈએ. જેની સામે મ્યુનિ. કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મેનેજર માટે જે લાયકાત માંગવામાં આવે છે તેમાં ઉમેદવાર માન્ય યુનિવર્સિટીનો કોઈ પણ વિદ્યાશાખાનો દ્વિતીય શ્રેણીનો સ્નાતક તથા ૧૦ વર્ષનો વહીવટી અનુભવ ધરાવતો હોવો જોઈએ.

તદઉપરાંત કાયદાની તેમજ અન્ય ઉચ્ચ ડીગ્રી ધરાવનારને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. જયારે આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા બારથી ભરવામાં આવે ત્યારે ઉમેદવારની લાયકાત સી એ, સી એસ, આઈસીડબલ્યુ એ, કે એમબીએ જેવી ઉચ્ચ ડિગ્રી હોવી ફરજીયાત માનવામાં આવે છે. મતલબ કે ડેપ્યુટી કમિશનર કરતા પણ વધુ લાયકાત આસિસ્ટન્ટ મેનેજરના હોદ્દા માટે માંગવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જે જગ્યા ભરવામાં આવી છે તેમાં પણ પ્રથમ શ્રેણીના સ્નાતકની જ લાયકાત માંગવામાં આવી હતી જયારે તેની સામે હાલ તમામ વિભાગના એચઓડીની લાયકાતો ઘણી વધારે છે. મોટાભાગના એચઓડી, સીએ, એમબીએ, સીએસ, આઈસીડબલ્યુએ જેવી લાયકાત ધરાવે છે.

જેનુ મુખ્ય કારણ એ છે કે આ તમામ અધિકારીઓની ભરતી ૧૯૯પના નિયમ મુજબ કરવામાં આવી હતી જે સમયે સીએ, સીએસ, કે આઈસીડબલ્યુએ ની એન્ટ્રલ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હતી અથવા એમબીએની ડીગ્રી ધરાવતા હોય તેમની જ પસંદગી કરવામાં આવતી હતી.

જયારે ત્યારબાદ ધીમે ધીમે સત્તાધારી પાર્ટી અને વહીવટીતંત્રના વડાની મરજી મુજબ લાયકાતોમાં ફેરફારો થતા રહયા છે. તેમજ સાવ જુનિયર કહી શકાય તેવા અધિકારીઓ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર કે આસિસ્ટન્ટ કમિશનર કરતા પણ વધારે ઉચ્ચ ડીગ્રી ધરાવે છે જયારે ઉચ્ચ હોદ્દા પર શાસકોના કે વહીવટીતંત્રના વડાની મરજી મુજબ ભરતી થતી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.