અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નરોડામાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કર્યું
એક વખત ડાયાલીસીસ માટે રૂ.1800 નો ખર્ચ થશે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારના નાગરિકો માટે નરોડા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નવું ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ડાયાલિસિસ સેન્ટરનું મેયર પ્રતિભા જૈન અને નરોડાના ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડાયાલિસિસ સેન્ટરમાં દર્દીઓના ડાયાલિસિસનો એક વખતનો ચાર્જ રૂ. 1800 ચૂકવવો પડશે. NGOના સહયોગથી નાની બાળકીઓને સેનેટરી પેડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે નવું ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ ડાયાલીસીસ સેન્ટર પી.પી.પી ધોરણે સંસ્થાના સહયોગથી ૫ (પાંચ) બેડની ક્ષમતા સાથે શરુ કરવામાં આવ્યુ છે. જેમાં ડાયાલીસીસ મશીન, આર.ઓ. પ્લાન્ટ તેમજ અન્ય જરૂરી લોજીસ્ટીક ઉપલબ્ધ કરવા અંદાજિત ખર્ચ આશરે રૂ.૬૫,૦૦,૦૦૦ (રૂ.પાસઠ લાખ) થયેલ છે.
ડાયાલીસીસ સેન્ટર ખાતે કુલ પાચ અદ્યતન ડાયાલીસીસ મશીન સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે. અધ્યતન મશીનો અને સુવિધાઓથી સુસજજીત આ ડાયાલીસીસ સેન્ટમાં “નેર્ફોલોજિસ્ટ તથા” નિષ્ણાંત ટેકનિશિયન દ્વારા ડાયાલીસીસ કરી આપવામાં આવશે. સદર સેન્ટરમા “PMJAY-MAA” યોજના અંતર્ગત કાર્ડ ધરાવતા દર્દીને ડાયાલીસીસ મફત કરી આપવામાં આવશે. અને તે ઉપરાંત આવવા-જવાની રૂ.300/- ની સહાય આપવામાં આવશે.
“PMJAY-MAA” યોજના સિવાયના દર્દીઓને ફક્ત રૂ.૧૯૦૦/- માં ડાયાલીસીસ કરી આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓ માટે જરૂરી ડાયલાયાઝર, ટયુબિંગ સેટ કિટ, જરૂરી દવાઓ અને ઈન્જેકશનો વગેરે જેવી તમામ સુવિધાઓ પણ નિશુલ્ક આપવામાં આવશે.
અમદાવાદ શહેરની તરુણીઓ અને કિશોરીઓને માસિક સ્વચ્છતાના અભાવે ગંભીર અને જીવલેણ રોગોથી બચાવવા મદદરૂપ થવા માટે સાથી ઇકો ઇનોવેશન ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ દ્વારા અ.મ્યુ.કો સંચાલિત ૨૫ એડોલેસેન્ટ ફ્રેન્ડલી હેલ્થ સેન્ટરોમાં તથા ઈમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશન દ્વારા મ્યુનિ. શાળાઓમા અભ્યાસ કરતી કિશોરીઓમા સેનેટરી પેડસનું મેયરના હસ્તે વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સહયોગથી આગામી દિવસોમા અંદાજીત ૨.૫૦ લાખ સેનેટરી પેડનુ વિતરણ કરવામાં આવશે.