Western Times News

Gujarati News

મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસ ડીજીટલ યુગમાંથી કબુતર યુગ તરફ

છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર બંધ કવરમાં જ થતી બદલીઓ: કર્મચારીઓમાં નારાજગી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ઘણા લાંબા સમયથી બઢતી અને બદલીની પ્રક્રિયા લગભગ બંધ થઈ ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહયો છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગમાં એક પછી એક છબરડાઓ અને ગોટાળાઓ થતાં રહયા છે. ચાર પાંચ દિવસ અગાઉ જ ટેકનીકલ સુપરવાઈઝરની ભરતીમાં થયેલ ગેરરીતિ બહાર આવી છે જે વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જાહેરમાં સ્વીકાર્યું પણ છે.

બીજી તરફ મ્યુનિ. કોર્પોરેશનમાં ઘણા લાંબા સમયથી બઢતી અને બદલીની પ્રક્રિયા લગભગ બંધ થઈ ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહયો છે. ડીજીટલ યુગમાં પણ સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ ‘જા ..જા…’ યુગમાં જીવી રહયા છે અને છેલ્લા બે અઢી વર્ષથી બંધ કવરમાં બદલી કરી રહયા છે જે બાબત ચર્ચાનો વિષય બની છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં બઢતી, બદલી, ભરતીની જવાબદારી સેન્ટ્રલ ઓફિસ વિભાગની રહે છે. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન અને સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ છેલ્લા બે વર્ષમાં ઘણા મોટા પાયે ભરતી કરી છે તે બાબત નિર્વિવાદ છે. પરંતુ છેલ્લા બે અઢી વર્ષથી બઢતી અને બદલી બંને અટકી ગયા છે.

કર્મચારીઓને ૧૦-ર૦-૩૦ મુજબ હોદ્દાના પ્રમોશન મળતા નથી માત્ર પે ગ્રેડમાં જ વધારો કરવામાં આવે છે જેના કારણે હાલ અનેક જુનીયર કલાર્ક એવા છે કે જેમને સીનીયર કલાર્ક તરીકે પ્રમોશન અને પગાર મળે છે. પરંતુ ફરજ જુનીયર કલાર્કના હોદ્દા પર જ બજાવી રહયા છે. દરેક વિભાગ અને દરેક કેડરમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે જેના માટે સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ સીધી રીતે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

જયારે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અમુક અધિકારીઓ અને હોદ્દેદારોની દખલગીરીના કારણે કમિશનરે પણ આ બાબતે રસ લેવાનું છોડી દીધું છે અને બદલી કે પ્રમોશનના સીધા જીડીઈએસટી જાહેર કરવાના બદલે કબુતર યુગમાં પરત ફરી રહયા છે.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરિક સુત્રોનું માનીએ તો કોર્પોરેશનના તમામ વિભાગોમાં હાલ ફરજ બજાવી રહેલા કર્મચારીઓ પૈકી લગભગ ૯૦ ટકા જેટલા કર્મચારીઓ પાંચ કે તેથી વધુ વર્ષથી એક જ જગ્યા પર કામ કરી રહયા છે. છેલ્લા બે ત્રણ વર્ષથી તો બદલી થતી જ નથી. માત્ર રાજકીય ભલામણોના આધારે જ બદલી થાય છે અને પણ બંધ કવરમાં કરવામાં આવે છે તેથી તેની જાણ માત્ર ભલામણ કરનાર વ્યક્તિ, કમિશનર અને સેન્ટ્રલ ઓફિસના કર્મચારીને જ રહે છે.

આવી બદલીઓના કારણે એવા પણ કિસ્સા જોવા મળ્યા છે કે કોર્પોરેટર સવારે તેમના વોડના એ.ઈ કે એ.સી.ઈ.ને કોઈ કામ માટે ફોન કરે ત્યારે ખબર પડે કે તેમની તો બદલી થઈ ગઈ છે. એક અંદાજ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૦૦ કરતા પણ વધુ બદલીઓ બંધ કવરમાં થઈ છે જેના કોઈજ જીડીએસટી જાહેર કરવામાં આવ્યા નથી કે ઓનલાઈન મુકવામાં આવ્યા નથી.

સેન્ટ્રલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ ઘણી વખત હોદ્દેદારો નારાજ થશે તેવો ભય દર્શાવી કમિશનર પાસેથી આવી બંધ કવરની બદલીઓ પર સહી કરાવી લે છે. આ ઉપરાંત થોડા સમય પહેલા જ આસિ. મ્યુનિ. કમિશનર કક્ષાના અધિકારીઓની બદલી માટેની યાદી તૈયાર કરવામાં આવી હતી પરંતુ સેન્ટ્રલ ઓફિસના જ એક ઉચ્ચ અધિકારીએ કમિશનરને ફરીથી હોદ્દેદારની નારાજગીનો ડર દર્શાવી તેને ફાઈનલ કે જાહેર કરવા દીધી નથી.

આમ મ્યુનિ. કર્મચારીઓ બદલી અને બઢતી માટે છેલ્લા ત્રણ વર્ષથી રજુઆત કરી રહયા છે પરંતુ સેન્ટ્રલ ઓફિસ ડીજીટલમાંથી કબુતર યુગમાં પરત જઈ રહી છે. જેના માઠા પરિણામે વારંવાર જોવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.