મ્યુનિ. કમિશનરે ડ્રાફટ બજેટમાં જાહેર કરેલા વિકાસના ૩૩ કામો માત્ર કાગળ પર જ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/AMC-ahmedabad.jpg)
અંદાજે રૂ.પ૦૦ કરોડથી વધુના કામોના અંદાજ પણ હજી તૈયાર થયા નથી
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં દર વર્ષે નાગરિકોને લોભાવવા માટે મોટી મોટી જાહેરાતો થતી હોય છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો એવા પ્રકારની જાહેરાતો કરે છે કે જેના કામો કદી થતા જ નથી પરંતુ ર૦ર૪-રપના ડ્રાફટ બજેટમાં કમિશનર દ્વારા કરવામાં આવેલ વિકાસના કે પોલીસીના કામો હજી માત્ર કાગળ પર જ રહયા છે.
મ્યુનિ. કમિશનર દ્વારા નાણાંકિય વર્ષ ર૦ર૪-રપ માટે રૂ.૧ર હજાર કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કમિશનરે છુટા હાથે વચનોની લ્હાણી કરી છે તે પૈકી મહત્વના કહી શકાય તેવા ઘણા કામો હજી માત્ર કાગળ પર જ રહયા છે. મ્યુનિ. કમિશનરે સોમવારે કરેલી ખાસ બેઠકમાં આ વાત જાહેર થઈ હતી.
મ્યુનિ. કમિશનરે જે જાહેરાતો કરી હતી તેમાં સીટી સ્કવેર, પૂર્વના ૭ અને દ.પ.ના ૮ તળાવોની ઈન્ટરલીકીંગ, ૧૬૦ ઈ-બસ જેવા મહત્વના કામોના અંદાજ કે ટેન્ડર હજી સુધી થયા નથી. આ ઉપરાંત કમિશનરે મહિલાઓ માટે ૧૦૦ ઈ-રીક્ષા માટે પણ જાહેરાત કરી હતી તે પણ માત્ર કાગળ પર જ રહી છે.
ર૦ર૪-રપના બજેટમાં નવા ૧૧ વો.ડી. સ્ટેશન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જે પૈકી પ્લોટ પઝેશન ન મળવાના કારણે ચારના કામ બાકી છે. ૧૦ સુએઝ પંપીંગ સ્ટેશન પૈકી એકમાત્ર હાંસોલનું પપીંગ સ્ટેશન બનાવવાનું કામ બાકી છે. મ્યુનિ. કમિશનર માત્ર આ બે કામ માટે જ શાબાશી લઈ શકે તેવી સ્થિતિ જોવા મળે છે. મ્યુનિ. બગીચા વિભાગના ઉચ્ચ અધિકારી લાંબાગાળાની રજા પર હોવાથી તેના મોટાભાગના કામ અટકી ગયા છે.
આ ઉપરાંત ભારે વાહનો માટે લોજીસ્ટીક પાર્ક અને શહેરમાં ટ્રાફિક સમસ્યા ઓછી કરવા એસ.ટી.ના બસ સ્ટેન્ડ ડીસેન્ટલાઈઝડ કરવા માટેની પોલીસના સર્વે માટે અધિકારીઓએ હજી સુધી કલમ કાગળ ઉઠાવ્યા નથી. મ્યુનિ. કમિશનરના બજેટમાં કુલ૩૩ કામ એવા છે જેની બજેટમાં જાહેરાત થયા બાદ તે પૂર્ણ કરવાની દિશામાં કોઈ જ કાર્યવાહી થઈ નથી.