Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશનર કોપાયમાનઃ તમામ ડેપ્યુટી કમિશનરોને શોકોઝ ફટકારવા ફરમાન

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધુ એક વખત ગંભીર બની રહી છે. લગભગ એક વર્ષ અગાઉ મ્યુનિ. સીએનસીડી વિભાગ દ્વારા આક્રમક પગલાં લેવામાં આવ્યા હતા તથા રજીસ્ટર ન થયા હોય તેવા ઢોરને શહેરની બહાર પણ મોકલી દેવામાં આવ્યા હતાં

પરંતુ આ મામલે ફરી એક વખત તંત્રની નબળી કામગીરી છતી થઈ છે જેના કારણે અકળાયલા મ્યુનિ. કમિશનરે તમામ ડેપ્યુટી કમિશનરોને આડા હાથે લીધા હતાં અને એક સાથે બધાને શોકોઝ નોટીસ આપવા પણ સુચના આપી હતી.

મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સ્થાને મળતી વિકલી બેઠકમાં રખડતા ઢોરના ઈશ્યુ મુદ્દે ગંભીર ચર્ચા થઈ હતી તેમજ સીએનસીડી વિભાગના ડાયરેકટર સહિત તમામ સ્ટાફ અને તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર સામે કમિશનર કોપાયમાન થયા હતાં. ખાસ કરીને પશ્ચિમ અને મધ્યઝોનના ડેપ્યુટી કમિશનરનો જાહેરમાં જ ઉધડો લેવામાં આવ્યો હતો સાથે સાથે સીએનસીડી વિભાગના ડાયરેકટરને પણ કડવા વેણ કહ્યા હતાં.

શહેરમાં ફરી એક વખત જાહેર રસ્તાઓ ઉપર ઢોર રખડતા જોવા મળી રહયા છે જેની હાઈકોર્ટ દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી છે. આરએફઆઈડી ટેગ લગાવવાની કામગીરી પણ મંદ પડી છે અને અલગ અલગ સ્થળેથી ઢોરવાડામાં રજીસ્ટર્ડ ન થયા હોય તેવા ઢોર પકડવા સામે પણ કામગીરી નબળી રહી છે આ તમામ કારણોને ધ્યાનમાં લઈ કમિશનરે તમામ ડેપ્યુટી કમિશનરને શોકોઝ નોટીસ આપવા માટે કહયું હતું.

શહેરમાં ઢોરોને લાયસન્સ આપવાના મુદ્દે કમિશનર અકળાયા હતા તથા આસિ. મ્યુનિ. કમિશનરોને લાયસન્સ આપવાની સત્તા કોણે આપી ? તે અંગે પણ સવાલ પૂછયા હતા. કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, મારે શહેરમાં એક પણ ઢોર જોઈતા જ નથી અને કોઈને પણ લાયસન્સ આપવાની જરૂર નથી.

સીએનસીડી વિભાગના ડાયરેકટર સામે પણ કમિશનરે લાલ આંખ કરી હતી કે, તથા કહ્યું હતું કે, હું એમ સમજતો હતો કે, તમે સારું કામ કરી રહ્યા છો પરંતુ આટલા બધા લાયસન્સ આપી તમે પણ એક પ્રકારનો ગંભીર ગુનો કર્યો છે તો તમને હાલ શો-ક્રોઝ નોટિસ શા માટે ન આપવી તેવો સવાલ પણ કર્યો હતો. ચાલુ મીટિંગ દરમિયાન કમિશનરને ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ શરૂ થતાં માત્ર એક કલાકમાં જ રિવ્યુ સમેટાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.