Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં E-KYCની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે

પલ્લવ બ્રીજનું કામ પૂર્ણતાના આરે: દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઈ-કેવાયસીની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નારણપુરા વિસ્તારમાં તૈયાર થઈ રહેલ પલ્લવબ્રીજનું આગામી ત્રણ-ચાર મહિનામાં લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન અને ડેપ્યુટી કમિશનર ભરતભાઈ પરમારના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાલ ૩ર હેલ્થ સેન્ટરમાં ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે. જેમાં બાળકના નામ પાછળ પિતાના નામ લગાવવા જેવી કામગીરીમાં સબરજીસ્ટાર કક્ષાએથી જ સુધારો કરવામાં આવી રહયો છે જયારે મોટા સુધારા કે જેમાં નામ ફરક હોય તેવા માટે રજીસ્ટાર કક્ષાએ કામ કરવામાં આવે છે.

જયારે કોઈ વ્યક્તિના નામની પાછળ ભાઈ, કુમાર કે લાલ લખવામાં આવ્યું હોય તેમાં કોઈ પણ જાતનો સુધારો કરવો હોય તો તે પણ કરવામાં આવી રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનને ઈ-કેવાયસી અંતર્ગત રોજ ૮૦૦ કરતા વધુ અરજીઓ મળી રહી છે. જેના કારણે હાલ ૮ દિવસનો બેકલોગ ચાલી રહયો છે. ઈ-કેવાયસીની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે વધુ ૪પ ઓપરેટર લેવામાં આવશે.

સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે નારણપુરા વિસ્તારમાં પલ્લવ બ્રીજનું કામ લગભગ ૮૦ ટકા પૂર્ણ થઈ ગયું છે અને એપ્રિલ- ર૦ર૪ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં પ૦ વર્ષ જુના નાળા બંધ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. સ્ટેન્ડિગ કમિટિની બેઠકમાં રૂ.ર૩૧ કરોડના વિકાસકામોને મંજુરી આપવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.