Western Times News

Gujarati News

AMCને પ્રોપર્ટી ટેક્સની 1000 કરોડથી વધુની આવક થઈ

અમદાવાદમાં ર૦ લાખથી વધુ પ્રોપર્ટી ટેક્સનાં બિલ વહેંચણીની કામગીરી આટોપાઈ ગઈ છે.

૧ એપ્રિલ, ર૦રરથી ૬ ડિસેમ્બર, ર૦રર સુધીના સમયગાળામાં થયેલી આવકની તુલનાએ ચાલુ વર્ષે ૩૩.૪૧ ટકાનો વધારો થયો

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનમાં આવકનું એકમાત્ર સાધન ઓક્ટ્રોપ નાબૂદી બાદ પ્રોપર્ટી ટેક્સની આવક છે. આ આવકમાં વૃદ્ધિ કરાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રકારની પ્રોત્સાહન આપનારી યોજનાઓ કરદાતાઓને આપવામાં આવી રહી હતી, જેમાં એડવાન્સ રિબેટ સ્કીમનો પણ સમાવેશ થાય છે કે જેને કરદાતાઓ તરફથી સારો પ્રતિસાદ મળવા પામ્યો હતો.

100 ટકા વ્યાજમાફીની ઈન્સેટિવ યોજનાને પણ કરદાતાઓએ વધાવી હતી. આ ઉપરાંત બિલિંગની પ્રક્રિયામાં પણ ગતિ લાવવામાં આવી છે. શહેરમાં ર૦ લાખથી વધુ પ્રોપર્ટી ટેક્સનાં બિલ વહેંચણીની કામગીરી આટોપાઈ ગઈ છે.

દરમિયાન મ્યુનિસિપલ તિજોરીમાં ચાલુ નાણાકીય વર્ષની તા.૧ એપ્રિલ, ર૦ર૩થી તા.૬ ડિસેમ્બર, ર૦ર૩ સુધીના સમયગાળામાં માત્ર પ્રોપર્ટી ટેક્સની આવકપેટે રૂ.૧૦૪૮.૮૩ કરોડ જેટલી માતબર રકમ ઠલવાઈ ચુકી છે.

પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા અનેક પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ બાદ પણ ઘણા કરદાતાઓએ તેનો લાભ મેળવ્યો નથી. ખાસ કરીને મોટી રકમના બાકીદારોએ આ યોજના સામે આંખ આડા કાન કર્યા છે. આવા મોટી રકમના બાકીદારો એટલે કે ડિફોલ્ટર્સની મિલકતને સીલ મારવા ઉપરાંત બોજો નોંધવાની તેમજ હરાજી કરવા સુધીની કડક કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હોઈ તેના પરિણામે પણ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સની આવકમાં વૃદ્ધિ જોવા મળી છે.

ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાનના તા.૧ એપ્રિલ, ર૦ર૩થી તા.૬ ડિસેમ્બર, ર૦ર૩ સુધીની પ્રોપર્ટી ટેક્સની આવકનો તંત્રનો એક સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે કે આટલા સમયગાળામાં તંત્રને રૂ.૧૦૪૮.૮૩ કરોડની થવા પામી છે. આ આવકને ઝોનવાઈઝ તપાસતા પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ.ર૭પ.૧૬ કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧૯પ.૯૮ કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧પ૪.૪ર કરોડ, પૂર્વ ઝોનમાંથી રૂ.૧૧૬.૧૯ કરોડ, મધ્ય ઝોનમાંથી રૂ.૧ર૩.૬૦ કરોડ, ઉત્તર ઝોનમાંથી સૌથી ઓછા રૂ.૯૧.૬૦ કરોડ અને દક્ષિણ ઝોનમાંથી રૂ.૯૧.૮૮ કરોડની આવક મેળવાઈ છે.

ગત નાણાકીય વર્ષ ર૦રર-ર૩માં ગઈ તા.૧ એપ્રિલ, ર૦રરથી તા.૬ ડિસેમ્બર, ર૦રર સુધીમાં પ્રોપર્ટી ટેક્સ વિભાગને કુલ ૭૮૬.૧૯ કરોડની આવક થવા પામી હતી. આનો અર્થ એ થયો કે ગત વર્ષની સરખામણીએ આટલા સમયગાળામાં પ્રોપર્ટી ટેક્સની આવકમાં ૩૩.૪૧ ટકાનો વધારો થવા પામ્યો છે. સત્તાવાળાઓએ આટલા જ સમયમાં રૂ.ર૬ર.૬૪ કરોડની વધુ આવક મેળવી છે.

પ્રોપર્ટી ટેક્સની આવકમાં ઝોનદીઠ ટકાવારી દર્શાવે છે કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૭૭.રર ટકાનો આવકમાં વધારો થયો છે, જ્યારે મધ્ય ઝોનમાં આવકની ટકાવારીમાં ચિંતાજનક રીતે ઘટાડો થઈને તે ૦.૪૮ ટકા જેટલી ઓછી થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.