Western Times News

Gujarati News

AMCના કર્મચારીઓના મેડિકલ એલાઉન્સ અને ઘરભાડા ભથ્થામાં વધારો

Ahmedabad Municipal Corporation

(પ્રતિનિધિ)અમદાવાદ, દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરના રોજ ચાલુ મહિનાના અંતમાં આવતો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પેન્શનરોનો ઓક્ટોબર માસનો પગાર ૧૦ દિવસ પહેલા એટલે કે ૨૦ ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

સાતમા પગાર પંચ મુજબ ઘરભાડાના ભથ્થા અને મેડિકલ એલાઉન્સમાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો હોવાથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને રૂ. ૩૦૦ની જગ્યાએ રૂ. ૧૦૦૦નું મેડિકલ એલાઉન્સ મળશે. જ્યારે ઘરભાડું સાતમા પગાર પંચ મુજબ બેઝિક પગારના ૨૪ ટકા આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે કોર્પોરેશનમાં પરત બજાવતા કર્મચારીઓના પગાર અને તેમના ભથ્થામાં થયેલા વધારાને લઈ પરિપત્રો કર્યા હતા. જેમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦ ઓક્ટોબરના રોજ પગાર અને પેન્શનની ચુકવણી કરવામાં આવશે.

૧૧ ઓક્ટોબર સુધીમાં તમામ કર્મચારીઓ અને પેન્શનરોની એન્ટ્રી કરી અને નાણા વિભાગને મોકલી આપવા નાણા ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. મેડિકલ એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવેથી દર મહિને ૧૦૦૦ રૂપિયાનું મેડિકલ એલાઉન્સ તમામ કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામવાના કિસ્સામાં વીમા કવચ અને નિવૃત્તિના સમયે ભેગા થયેલા ભંડોળનો લાભ મળે તેના માટે જૂથ વીમા યોજના લાગુ કરવામાં આવી છે, જે મુજબ તમામ કર્મચારીઓને ચાર અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.

જે મુજબ દર મહિને વધુમાં વધુ ૪૦૦ અને ઓછામાં ઓછા ૫૦ રૂપિયા કેટેગરી મુજબ પગારમાંથી કપાત થાય છે. જે સરકાર દ્વારા જૂથ વીમા યોજનામાં ફેરફાર કરવામાં આવતા હવે તેમના ફાળાની રકમ અને કપાતની રકમમાં પણ ફેરફાર થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.