મ્યુનિ. કોર્પો.માં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓના પ્રમાણપત્રોની ફેર ચકાસણી કરવા માંગણી
ફાયર વિભાગમાંથી ફરતરફ કરાયેલા અધિકારીઓ પાસેથી પગાર ભથ્થા સહિતની તમામ રકમ રિકવર કરવી જરૂરીઃ સહેજાદખાન પઠાણ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. ફાયર વિભાગના ૯ અધિકારીઓને બોગસ પ્રમાણપત્ર રજુ કરવાની વિગતો જાહેર થયા બાદ કમિશનરે આ તમામ અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કર્યાં છે. મ્યુનિ. કોર્પોરેશનમાં આ પ્રકારના અનેક કિસ્સા ભુતકાળમાં પણ બની ચુકયા છે.
હાલમાં પણ વર્ગ-૧ અને ર ના અધિકારીઓના પ્રમાણપત્રોની પુરતી ચકાસણી કરવામાં આવતી નથી તેથી તે અંગે કમિશનરે ફેરવિચારણા કરવી જોઈએ તેવી રજુઆત વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે ફાયરબ્રિગેડ વિભાગમાં ત્રણ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત નવ અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરવાના મુદ્દે જણાવ્યું હતું કે, જે અધિકારીઓએ બોગસ સ્પોન્સરશિપથી નાગપુર ફાયર કોલેજમાં પ્રવેશ મેળવી અને પ્રમાણપત્ર લીધા બાદ અમદાવાદ ફાયર બ્રિગેડમાં નોકરી મેળવી છે.
તેઓને જ્યારથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ પર હાજર થયા ત્યારથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, ત્યાં સુધીના પગાર અને તમામ નાણાકીય લાભને વસુલ કરવા જોઈએ. તાજેતરમાં જ વર્ગ ૧ અને વર્ગ ૨માં અધિકારીઓની ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે શૈક્ષણિક અને અનુભવના સર્ટિફિકેટના ક્રોસ વેરિફિકેશન કરવા જોઈએ.
શહેરના નાગરીકોને સલામતી તથા પ્રજાને સારી પ્રાથમિક સુવિધા આપી શકાય તેમજ લોકોની સમસ્યાઓનો તાકીદે ઉકેલ આવે તે માટે વર્ગ-૧ અને વર્ગ-૨ના તમામ અધિકારીઓ સક્ષમ અને અનુભવી હોવા જરૂરી જ નહી પરંતુ અનિવાર્ય છે ફાયર વિભાગના અધિકારીઓ સામે તેઓના અનુભવ તથા શૈક્ષણિક યોગ્યતા બાબતે તપાસ ઘણાં લાંબા સમયથી ચાલી રહી હતી
તેના અનુસંધાને અનુભવ તથા શૈક્ષણિક યોગ્યતા બાબતે ખોટા સર્ટીફીકેટ તથા અનુભવના ખોટા સર્ટી મુકી મ્યુ.કોર્પોમાં નોકરી મેળવેલ હતી જેને કારણે તાજેતરમાં ફાયર ડીર્પાના ઓફિસરોને ટર્મીનેટ કરવામાં આવેલ છે અનુભવ તથા શૈક્ષણિક યોગ્યતા બાબતે ખોટા સર્ટીફીકેટ તથા અનુભવના ખોટા સર્ટી મુકી મ્યુ.કોર્પોમાં નોકરી મેળવવા ગેરરીતી કરેલ હોઈ તે ટર્મિનેટ કરાયેલ તમામ અધિકારીઓ જ્યારે તેઓ ફરજ પર હાજર થયાં ત્યારથી અત્યાર સુધી મેળવેલ પગાર તથા બીજા અન્ય તમામ નાણાંકીય લાભો તેઓ પાસેથી પરત વસુલવા જોઇએ
મ્યુ. હદમાં વધારો થતાં હાલ ૪૮૮ ચો. કિ.મી થયો છે અને જનસંખ્યા ૭૦ લાખની ઉપર જતી રહેવા પામેલ હોઈ તમામ ડીર્પા માટે સક્ષમ અને બાહોશ અનુભવી અધિકારી હોવા તે સમયની તાતી જરૂરિયાત છે. જેથી વર્ગ-૧ અને વર્ગ-૨ના તમામ અધિકારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવ બાબતે નવેસરથી ક્રોસ વેરીફીકેશન કરી ડિપાર્ટમેન્ટ સુસજ્જ કરવું અનિવાર્ય છે તે મ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.