મ્યુનિ.ફૂડ વિભાગનાં ઈન્ચાર્જ ડેઝિગ્નેટેડ ઓફિસર જરૂરી લાયકાત-અનુભવ ધરાવતાં નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/AMC-ahmedabad.jpg)
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હેલ્થફુલ વિભાગની નબળી કામગીરી વારંવાર ફરિયાદો થતી રહે છે. જેના માટે સ્ટાફ ઓછો હોવાના કારણો આપવામાં આવે છે. સદર વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસરની ફરિયાદો દૂર કરવા માટે વોર્ડ દીઠ એક ફિલ્ડ ઓફિસરની ભરતી કરવા મંજૂરી આપવામાં આવી છે. જેની લાયકાતો કેન્દ્ર સરકારનો છેલ્લા ગેઝેટ મુજબ રાખવામાં આવી છે.
પરંતુ અહીં ચોંકાવનારી વાત એ છે કે, આ વિભાગના વડા કે જે ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકે ઓળખાય છે. તેઓ જ કેન્દ્ર સરકારની ગેઝેટ મુજબ લાયકાતથી અનુભવ ધરાવતાં નથી.ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસ પણ ગેઝેટ મુજબ અપગ્રેડ થઈ નથી.
મ્યુનિ.કોર્પોરેશનમાં “જીસકી લાઠી ઉસકી ભેંસ” કહેવત જેવો વહીવટ ચાલી રહ્યો છે. મ્યુનિ.સત્તાધીશો કે પછી ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો હોય તો અહીં કોઈ ડિગ્રી કે અનુભવ જોવામાં આવતાં નથી. છેલ્લે સીટી ઈજનેર (ડ્રેનેજ)ને આપવામાં આવેલ પ્રમોશન ઉત્તમ ઉદાહરણ છે. આવી જ પરિસ્થિતિ હેલ્થ ફૂડ વિભાગનાં ડેઝિગ્નેટેડ ઓફિસર માટે પણ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૦૬ના વર્ષમાં ફૂડ સેફ્ટી એક્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
જેને કેટલાંક લોકો ગુજરાતીમાં “ફસાઈ” પણ કહે છે. તે સમયે ડેઝિગ્નેટેડ ઓફિસર માટે જે લાયકાતો જાહેર કરવામાં આવી હતી તેમાં બેથી ત્રણ વખત સુધારા કરવામાં આવ્યા છે. ૨૦૦૬ બાદ ૨૦૧૩માં કેન્દ્ર સરકારે ગેઝેટ જાહેર કરી ડેઝિગ્નેટેડ ઓફિસરનાં લાયકાતમાં ફેરફાર કર્યા હતા. ત્યારે હવે જાન્યુઆરી ૨૦૨૩માં સરકાર તરફથી ડેઝિગ્નેટેડ ઓફિસર માટે નવા લાયકાત-અનુભવ જાહેર કરવામાં આવ્યાં છે.
કેન્દ્ર સરકારના ગેઝેટમાં ડેઝીગનેટેડ ઓફિસર માટે જે લાયકાતો નક્કી કરવામાં આવી છે તે મુજબ ” ૨.૧.૨ના ઉપ-નિયમમાં ‘નિયુક્ત અધિકારી’ સંબંધિત, લાયકાત સંબંધિત ધારા ૧માં, ઉપ-ધારા માટે, નીચેની ધારા બદલીને મૂકવામાં આવશે, અર્થેઃ નિયુક્ત અધિકારી એક સંપૂર્ણ સમયના અધિકારી હોવા જોઈએ, જે ઉપ-વિભાગીય અધિકારી કે તેની સમકક્ષથી નીચા સ્તરના નહીં હોય
અને જેમાં કેમિસ્ટ્રી વિષયમાં બેચલર્સ અથવા માસ્ટર્સ અથવા ડોક્ટોરેટ ડિગ્રી ધરાવતો હોવો જોઈએ અથવા આ નિયમો હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર માટે નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય અથવા ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ અથવા જેમાં ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે સાત વર્ષ સંયુક્ત અનુભવ હોય જેમાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે કાયદાના અમલ પછી ઓછામાં ઓછા ચાર વર્ષનો અનુભવ હોવા જરૂરી છે.
” પરંતુ મ્યુનિ.કોર્પોરેશનના હાલના ઈન્ચાર્જ ડેઝિગ્નેટેડ ઓફિસર ભાવિનભાઈ જોષી આ મુજબના લાયકાત કે અનુભવ ધરાવતાં નથી તે સ્પષ્ટ બાબત છે.અત્રે નોંધનીય છે કે, ડો.ભાવિન જોષી એમ.ડી.ની ડિગ્રી ધરાવે છે. જ્યારે ડેઝિગ્નેટેડ ઓફિસર માટે પી.એચ.ડી.ની ડિગ્રી જરૂરી છે. આ ઉપરાંત તેમાં ૫થી ૭ વર્ષનો ફિલ્ડ અનુભવ ફરજિયાત છે. જે કામ ડો.ભાવિન જોષીએ કર્યું નથી.
આમ, તમામ રીતે તેઓ સદર પોસ્ટ માટે ગેરલાયક સાબિત થાય છે. જો તેઓ ભરતીથી આ પોસ્ટ પર આવ્યાં હોત તો આ મામલે વિવાદ થાય નહિં. પરંતુ તેઓ તેમના ગોડફાધરની મહેરબાનીથી ઈન્ચાર્જ ડેઝિગ્નેટેડ ઓફિસર છે તેથી આ જગ્યા માટે નવી ભરતી કરવી જરૂરી બને છે.
મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સૂત્રોનું માનીએ તો હેલ્થ ફૂડ ખાતામાં વોર્ડ દીઠ ફિલ્ડ ઓફિસરની ભરતી માટે લગભગ એકાદ વર્ષ પહેલાં જ દરખાસ્ત તૈયાર થઈ ગઈ હતી. જેની મંજૂરી માટે ડેઝિગ્નેટેડ ઓફિસર ડો.ભાવિનભાઈ જોષી તત્કાલિન ડેપ્યુટી. કમિશનર (હેલ્થ) પ્રવીણ ચૌધરી પાસે ગયા હતા. તે સમયે એફએસઓની લાયકાતની તેમણે ચકાસણી કરી હતી. જે કેન્દ્ર સરકારના છેલ્લા ગેઝેટ મુજબ હતી પરંતુ આ ચકાસણી દરમ્યાન તેમણે ડેઝિગ્નેટેડ ઓફિસરની પણ લાયકાતની ચકાસણી કરી હતી.
જે વાંચતા જ તેઓ ચોંકી ઉઠ્યા છે અને ફાઈલ પર સહી કરવાની ના પાડી હતી. બધા ૪૮ એફએસઓની સાથે સાથે ડેઝિગ્નેટેડ ઓફિસરની ભરતી કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવા ડો.ભાવિન જોશીને જણાવ્યું હતું. પરંતુ આ દરમિયાન પ્રવીણ ચૌધરીની બદલી થતાં ડો.ભાવિન જોષીને તક મળી ગઈ હતી. તથા ફાઈલ અભરાઈએ મુકી હતી.
થોડા સમય પહેલાં જ નવા ડેપ્યુટી કમિશનરની નિમણૂક થતા ડો.ભાવિન જોષીએ તક જોઈને ૪૮ એફએસઓની ભરતી માટેની દરખાસ્ત પર સહી કરાવી લીધી છે. જ્યારે ડેઝિગ્નેટેડ ઓફિસરની જગ્યા ભરવા માટે તેમણે કોઈ જ કાર્યવાહી કરી નથી. ઇન્ચાર્જ ડેઝીગનેટેડ ઓફિસર તરીકે ડો.ભાવિન જોષી ની કામગીરી વિવાદાસ્પદ રહી છે. ગોડફાધરોની મહેરબાની થી તેમને ઇન્ચાર્જ એડી.મેડિકલ હેલ્થ ઓફિસર નો હોદ્દો આપવામાં આવ્યા બાદ ઇન્ચાર્જ ડેઝીગનેટેડ ઓફિસર તરીકે પણ નિમણૂક આપવામાં આવી હતી.