ઘોર બેદરકારીઃ મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગે ૭ વર્ષમાં તળેલા તેલના માત્ર ૩૦૯૧ સેમ્પલ લીધા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગની નબળી કામગીરીના કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય જોખમાઈ રહયા છે. છેલ્લા થોડા સમયમાં જ ખાદ્યચીજોમાંથી જીવાતો નીકળવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે આ ઉપરાંત મોટી હોટલોના રસોડામાં પણ પારાવાર ગંદકી જોવા મળી છે.
તેવી જ રીતે તેલમાં તળેલી ચીજવસ્તુઓની ચકાસણી કરવાની જવાબદારી પણ હેલ્થ ફૂડ વિભાગની છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે મોટાભાગના વહેપારીઓ એકના એક જ તેલનો ઉપયોગ કરી વિવિધ ફરસાણ બનાવી રહયા છે તેમ છતાં તંત્ર નીંદ્રાધીન છે અને છેલ્લા ત્રણ વર્ષમાં જ માત્ર ૩ હજાર ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિ. ફૂડ વિભાગની કામગીરી હંમેશા શંકાના દાયરામાં રહી છે. ફૂડ સેફટી અધિકારીઓ દ્વારા જ ફૂડ સેફટી એક્ટ- ર૦૦૬ના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ખાસ કરીને ખાદ્યતેલમાં તળેલી વસ્તુઓના ટીપીસી મામલે પુરતી ચકાસણી થતી નથી. કોંગ્રેસ માઈનોરીટી સેલના પ્રમુખ અતિક સૈયદના જણાવ્યા મુજબ હેલ્થ ફૂડ વિભાગ દ્વારા ર૦૧૮થી ર૦ર૧ સુધીમાં એટલે કે ૪ વર્ષમાં એક પણ ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા ન હતાં
તે પરથી સાબિત થાય છે કે અધિકારીઓ કેટલા બિનજવાબદાર છે. છેલ્લા સાત વર્ષમાં ફૂડ વિભાગ દ્વારા ૩૦૯૧ ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ટેસ્ટ છેલ્લા ત્રણ વર્ષના જ છે. જેમાં ૧૬ સેમ્પલમાં ટીપીસીની માત્રા રપ ટકા કરતા વધારે મળી આવી હતી. તેમ છતાં માત્ર ૬ એકમોને જ સીલ કરવામાં આવ્યા છે અને વહીવટી ચાર્જ પેટે પ એકમો પાસેથી અત્યાર સુધી રૂપિયા દોઢ લાખ વસુલ કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોર્ડ દીઠ એક ઈન્સ્પેકટરની નિમણુંક કરવામાં આવી છે મતલબ કે ૪૮ વોર્ડ દીઠ ૪૮ ફૂડ ઈન્સ્પેકટર રહેશે પરંતુ તેની સામે માત્ર ૯ જ ટીપીસી મશીન છે જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.