Western Times News

Gujarati News

AMC બગીચા વિભાગનું મહાકૌભાંડ: ટેન્ડર અંગેના તમામ નીતિ નિયમો નેવે મુકાયા

વાર્ષિક ટર્નઓવરની શરતમાં અધિકારીની ગેરરીતિ જાહેર થઈ રૂ.૩ કરોડનું ટેન્ડર જાહેર કરી રૂ.૬૯ કરોડના કામ અપાશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ એમ કોઈપણ રીતે ભ્રષ્ટાચાર થતો રહે છે. સામાન્ય રીતે ઈજનેર અને એસ્ટેટ વિભાગ પર કૌભાંડના આક્ષેપો થતા રહે છે પરંતુ ખરા અર્થમાં જોવા જઈએ તો અન્ય વિભાગોમાં પણ તેના કરતા વધારે ભ્રષ્ટાચાર થાય છે

આવું જ એક કૌભાંડ બગીચા વિભાગમાં આકાર લઈ રહયું છે. જેમાં અધિકારીએ ટેકનીકલ દ્રષ્ટીએ કૌભાંડ છુપાવવા કોઈ જ કચાશ બાકી રાખી નથી જેમાં રૂ.૩ કરોડના ટેન્ડરમાં રૂ.૮ર કરોડનું કામ આપવામાં આવી રહયું છે. આ ટેન્ડરમાં માનીતા કોન્ટ્રાકટરને કામ અપાવવા ટેન્ડર રકમ ઓછી રાખી ટર્ન ઓવરની શરતનો ફાયદો આપવા કારસો રચવામાં આવ્યો હોય તેમ માનવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવી રહયું છે તેમજ જેનો લક્ષ્યાંક ૪૦ લાખ વૃક્ષનો રાખવામાં આવ્યો છે આ ફોર મિલિયન ટ્રીઝ અભિયાન માટે બગીચા વિભાગ દ્વારા માર્ચ મહિનામાં ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા

જેમાં ટેન્ડર રકમ રૂ.૩ કરોડ ૭ લાખ રાખવામાં આવી હતી તથા રપ હજાર સ્કે.મીટર જગ્યામાં ૧ લાખ વૃક્ષ વાવવા માટે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવ્યા હતાં જેમાં કોન્ટ્રાકટર પાસેથી બીડ ડોક્યુમેન્ટ પેટે ટેન્ડર રકમ રૂ.૩ કરોડ મુજબની ગણતરી કરી રૂ.૧૭૭૦૦ રાખવામાં આવી હતી આ ઉપરાંત ટેન્ડરની રકમ રૂ.૩ લાખ ૭ હજાર મુજબ વાર્ષિક ટર્ન ઓવર ર૦૦ ટકા રાખવામાં આવી હતી તેમજ પાછલા ત્રણ વર્ષનો વૃક્ષારોપણનો અનુભવ પણ માંગવામાં આવ્યો હતો.

ટેન્ડર જાહેર થઈ ગયા બાદ બગીચા વિભાગ દ્વારા ૪ કોન્ટ્રાકટરની પેનલ તૈયાર કરવામાં આવી હતી તથા ૩ કરોડ ૭ લાખના ટેન્ડરની સામે રૂ.૬૯ કરોડના કામ આપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે તથા આ કામ ૪ કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવશે. પરંતુ બગીચા વિભાગના ઉચ્ચ અધિકારી ફાઈલમાં કૌભાંડ છુપાવવા તમામ પ્રયાસ કર્યાં હોવા છતાં ટેન્ડર શરત જોતા ગેરરીતિ જાહેર થઈ છે.

ટેન્ડર શરત મુજબ રૂ.૩ કરોડના ટેન્ડર માટે ર૦૦ ટકા ટર્ન ઓવરની શરત રાખી હતી તેથી જો ૪ કોન્ટ્રાકટરો વચ્ચે રૂ.૬૯ કરોડના કામની વહેંચણી કરવામાં આવે તો એક કોન્ટ્રાકટરને અંદાજે રૂ.૧૭ કરોડનું કામ મળી શકે તેમ છે. તેથી જો તેમાં ટેન્ડર શરત મુજબ ર૦૦ ટકા ટર્ન ઓવરની ગણતરી કરવામાં આવે તો ઓછામાં ઓછુ ૩૪ કરોડનું ટર્ન ઓવર હોવું જરૂરી બની છે.

આ ઉપરાંત બીડ ડોકયુમેન્ટ રકમ, અનુભવ તેમજ અનેસ્ટમનીની રકમમાં પણ ફેરફાર કરવો પડે તેમ છે. સીબીસીની ગાઈડલાઈન મુજબ એક વખત જાહેર થયેલા ટેન્ડરમાં વધુમાં વધુ ર૦ થી રપ ટકા રકમનો ફેરફાર થઈ શકે તેમ છે.

પરંતુ અહીં બગીચા વિભાગના અધિકારીએ અનેક ગણો વધારો કર્યો છે જેને ટેકનીકલ દ્રષ્ટિ ફાઈલમાં છુપાવવા તમામ પ્રયાસ કર્યાં છે. ભુતકાળમાં આવા વૃક્ષારોપણ માટે ઝોન દીઠ ટેન્ડર મંગાવવામાં આવતા હતાં પરંતુ આ વખતે કદાચ કોઈ માનીતા કોન્ટ્રાકટરને ટર્ન ઓવરની દ્રષ્ટિએ લાભ મળે અને કોર્પોરેશનનું કામ મળે તે માટે આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ચર્ચા ચાલી રહી છે.કામ અપાશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.