Western Times News

Gujarati News

જીજર ગ્રામ પંચાયતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને આ કારણસર નોટીસ ફટકારી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને મિલકત વેરો ન ભરતા જીજર ગ્રામ પંચાયતે નોટીસ ફટકારી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષની વસુલાત માટે નાના કરદાતાની મિલકતો સીલ કરવામાં આવે છે તેમજ કેટલાક કેસમાં મિલકત પર બોજો લખાવી તેની હરાજી પણ કરવામાં આવે છે.

શહેરના નાના કરદાતાઓ સામે દંડો ઉગામી ટેક્ષની વસુલાત કરતા મ્યુનિ. તંત્રએ છેલ્લા ૬ વર્ષથી પ્રોપર્ટી ટેક્ષ ભર્યો ન હોવાથી જીજર ગ્રામ પંચાયત દ્વારા નોટીસ ફટકારવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેક્ષ ન ભરવા માટે કરવામાં આવેલી વિનંતીને પણ જીજર ગ્રામ પંચાયતે નકારી દીધી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મહેમદાવાદ હાઈવે પર જીજર ગામ ખાતે ર૦૧૦માં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો જેને રાસ્કા વિયર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લાન્ટ જીજર ગ્રામ પંચાયતની હદમાં આવતો હોવાથી તંત્રએ પ્રોપર્ટી ટેક્ષ ચુકવવાનો રહે છે

પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૮-૧૯ થી ર૦ર૩-ર૪ સુધી જીજર ગ્રામ પંચાયતને પ્રોપર્ટી ટેક્ષ ચુકવવામાં આવ્યો નથી. જેથી ગ્રામ પંચાયતે કોર્પોરેશનને રૂ.૧.૧પ કરોડનો ટેક્ષ તાકીદે ભરપાઈ કરવા નોટીસ ફટકારી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ ટેક્ષ ચાર હપ્તામાં ભરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરિક સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના સમયથી બાકી ટેક્ષ માટે એસ્ટેટ વિભાગની ઢીલી નીતિ પણ જવાબદાર છે. મ્યુનિ. કોર્પોરેશન સ્વાયત સંસ્થા હોવાથી પ્રોપર્ટી ટેક્ષ માફ કરવામાં આવે તેવો પત્ર એસ્ટેટ વિભાગ દ્વારા જીજર ગ્રામ પંચાયતને લખવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલાઈ ર૦ર૪માં મ્યુનિ. ડેપ્યુટી કમિશનર (એસ્ટેટ) તથા જીજર ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે બેઠક થઈ હતી

તે સમયે ગ્રામ પંચાયતના સભ્યોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જેમ અમદાવાદ શહેર પ્રોપર્ટી ટેક્ષના નાણાંથી વિકાસના કામ કરે છે તેવી જ રીતે અમારે પણ મિલકત વેરાના નાણાંનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવાનો છે તેથી કોઈ પણ સંજોગોમાં ટેક્ષ ભરપાઈ કરવાનો રહેશે. તેમ છતાં તંત્ર દ્વારા સમયસર મિલકત વેરો ભરપાઈ કરવામાં આવતા અંતે ગ્રામ પંચાયત દ્વારા કોર્પોરેશનને નોટીસ ફટકારવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.