AMC: 10 હજાર સોસાયટીઓમાં 4 ડસ્ટબિન ધરાવતી હાથલારીઓ અપાશે
ઝોનદીઠ ૧૫૦૦ હાથલારી નિઃશુલ્ક આપવાની વિચારણા મ્યુનિસિપલ તિજાેરીમાંથી રૂ.૨૫ કરોડ ખર્ચાઈ ચૂક્યા હોઈ નવાં ડસ્ટબિન ખરીદવાનાં પણ ચક્રો ગતિમાન થઈ ચૂક્યાં છે
અમદાવાદ, આપણા અમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સતત જહેમત ઉઠાવી રહ્યા છે. શહેરમાં રોજેરોજ સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી હોઈ વધુને વધુ લોકો અને ધંધાર્થીઓને તેમનો રોજેરોજનો કચરો સૂકો અને ભીનો – એમ બે ભાગમાં વિભાજિત કરી તંત્રની કચરાગાડીને આપવા માટે સમજ અપાઈ રહી છે.
ઉપરાંત શહેરીજનોને દસ લિટર ક્ષમતાનાં ભૂરા અને લીલા રંગનાં બે ડસ્ટબિન વિનામૂલ્યે અપાઈ રહ્યાં હોઈ આવાં ૨૦ લાખથી વધુ ડસ્ટબિનનું શહેરમાં વિતરણ થઈ ચૂક્યું છે. હવે મ્યુનિ. કોર્પો.ના ભાજપના શાસકો શહેરની મોટી સોસાયટી અને ફ્લેટમાં ચાર-ચાર ડસ્ટબિન ધરાવતી હાથલારી વિનામૂલ્યે આપવા જઈ રહ્યા છે. જાે બધું સમુસુતરું પાર ઊતરશે તો આવતા અઠવાડિયાથી કચરાની હાથલારીનું વિતરણ શરૂ થઈ જશે.
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માટે ભારે પ્રયત્નશીલ છે. તેમના આદેશથી બે મહિના પહેલાં શહેરમાં કચરાનાં સેગ્રિગેશન માટે મોટી ટ્રિગર ઈવેન્ટ પણ યોજાઈ હતી. શહેરમાં સતત ત્રણ દિવસ માટે યોજાયેલી આ ટ્રિગર ઈવેન્ટ હેઠળ હજારો ગૃહિણીઓને સૂકો અને ભીનો કચરો અલગ કરીને કચરાગાડીને આપવાની સમજ અપાઈ હતી.
શાસક ભાજપ દ્વારા ઘરે ઘરે ડસ્ટબિન મફત આપવાની જાહેરાત ગયા બજેટમાં કરાઈ હતી તેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ૨૦ લાખથી વધુ ડસ્ટબિનનો લાભ શહેરીજનોને મળી ચૂક્યો છે. આની પાછળ મ્યુનિસિપલ તિજાેરીમાંથી રૂ.૨૫ કરોડ ખર્ચાઈ ચૂક્યા હોઈ નવાં ડસ્ટબિન ખરીદવાનાં પણ ચક્રો ગતિમાન થઈ ચૂક્યાં છે.
મોટી સોસાયટી અને ફ્લેટમાં ચાર-ચાર ડસ્ટબિન ધરાવતી હાથલારી વિના મૂલ્યે આપવા માટેની દિશામાં કવાયત હાથ ધરાઈ હોઈ તંત્ર પાસે કુલ ૧૦ હજાર હાથલારી પૈકી ૮૦૦ હાથલારી આવી ચૂકી છે. અગાઉના એક જૂના ઠરાવ મુજબ મોટી સોસાયટી અને ફ્લેટ વિસ્તારના નાગરિકોને નિઃશુલ્ક હાથલારી પૂરી પાડવા રૂ.૧૦ કરોડ ખર્ચાશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવે છે.
બીજી તરફ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનના આદેશ મુજબ શહેરમાં અવિરતપણે સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે, જે હેઠળ દક્ષિણ ઝોનમાં બહેરામપુરા વોર્ડ ખાતેની ચેપીરોગ હોસ્પિટલ રોડ પર ગંદકી ફેલાવતા અને સ્વચ્છતા ન જાળવતા એકમો વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી હતી તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ
કરતા પાનના ગલ્લા અને પેપર કપ વાપરતી ચાની કીટલીઓ પર ત્રાટકીને તંત્ર દ્વારા બંધ કરી દેવાઈ હતી. અમદાવાદને સ્વચ્છ રાખવા માટે શહેરમાં આ પ્રકારની ઝુંબેશ અવિરત ચાલુ છે.