AMCએ હેવમોર આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળવા મામલે તપાસ કમિટી બનાવી

રૂ.૬ કરોડના ખર્ચથી ૧૦ વરૂણપંપ ખરીદ કરવામાં આવશે ઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના મણીનગર વિસ્તારમાં હેવમોરના આઈસક્રીમ કોનમાંથી ગરોળી નીકળવાની ઘટનાના પડઘા મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિમાં પણ પડયા હતા તથા કમિટીએ સર્વાનુમતે આ બાબતે સઘન તપાસ કરવા આદેશ આપ્યો છે.
ગુરૂવારથી શરૂ થયેલ સાબરમતી નદી સફાઈનું અભિયાન પ જુન સુધી ચાલુ રાખવામાં આવશે તેમજ પ જુને વિશ્વ પર્યાવરણ દિવસથી ૪૦ લાખ વૃક્ષ રોપવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવશે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે બુધવારે હેવમોરના આઈસક્રીમમાંથી ગરોળી નીકળવાની ઘટના અત્યંત દુઃખદ છે તથા આ બાબતે હેવમોર પાસેથી માત્ર રૂ.પ૦ હજારનો દંડ લેવાની કામગીરી કરવામાં આવી છે તે સ્વીકાર્ય નથી તેથી ૩ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે
જે આ બાબતે તપાસ કરી જે પણ દોષિત હશે તેને યોગ્ય સજા આપવામાં આવશે. શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન પ મી જૂન સુધી ચાલુ રાખવામાં આવશે.
જેમાં અલગ અલગ એનજીઓ અને સંસ્થાઓ પણ જોડાશે. તેવી જ રીતે પ જુનથી ફોર મિલીયન ટ્રીઝ અભિયાન પણ શરૂ કરવામાં આવશે જેના માટે ક્યા સ્થળે કેટલા વૃક્ષ લગાવવાના છે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત પરકોલેટીંગ વેલ બનાવવામાં આવી રહી છે જે અંતર્ગત કોર્પોરેશનની જ ૧૬૦ અલગ અલગ બિલ્ડીંગમાં વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમની કામગીરી કરવામાં આવશે. ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો ઝડપથી નીકાલ થાય તે માટે રૂ.૬ કરોડના ખર્ચથી ૧૦ વરૂણ પંપ ખરીદ કરવામાં આવ્યા છે.
હાલ કોર્પોરેશન પાસે રપ પંપ છે નવા પંપ આવ્યા બાદ ૩પ પંપ થઈ જશે તેથી કામ ઝડપથી પૂર્ણ થશે. હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાને ૪ વર્ષની બાળકીને ફાડી ખાધી હોવાની ઘટના અંગે પણ કમિટીમાં સઘન ચર્ચા થઈ હતી તેમજ સીએનસીડી વિભાગને પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશન ઝડપથી કરવા માટે સુચના આપવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.