મ્યુનિ. હેલ્થ ફુડ ખાતાના ડેઝીગ્નેટેડ અધિકારીને નાસ્તા-પાણીના કોન્ટ્રાકટ આપવામાં વધુ રસ
કમિશનરે ડેપ્યુટી હેલ્થ ઓફિસરોને જવાબદારી સોંપી છતાં પરિણામ શૂન્ય
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ ફુડ વિભાગ ઘણા સમયથી વિવાદમાં છે. શહેરમાં દરરોજ હોટલ-રેસ્ટોરન્ટ વિગેરેમાંથી જીવાતો નીકળવી તે સામાન્ય બાબત બની ગઈ છે. હેલ્થ ફૂડ વિભાગના જવાબદાર અધિકારીઓની બેદરકારીના લીધે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહયા છે પરંતુ ખાતાના વડાને આ બાબતની કોઈપણ દરકાર હોય તેમ લાગી રહયું નથી.
તેઓને માત્ર મ્યુનિ. કોર્પોરેશનના ફંકશનોમાં ફુડ અને પાણી સપ્લાય કરવાના કોન્ટ્રાકટમાં જ રસ હોય તેમ લાગી રહયું છે. ચોંકાવનારી બાબત એ છે કે આ બાબતની જવાબદારી ઝોન કક્ષાએ ડેપ્યુટી હેલ્થ ઓફિસરોને સોંપવામાં આવી છે છતાં હેલ્થ ફુડ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર સત્તાનું કેન્દ્રીયકરણ કરીને બેઠા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કાર્યક્રમો, ફંકશનો અને મેળવાડામાં ફુડ અને પાણી સપ્લાય કરવા માટે ખાસ પરિપત્ર થયો હતો. ર૦૧૭માં થયેલ પરિપત્ર મુજબ કોર્પોરેશનના તમામ કાર્યક્રમોમાં એએમસી જલ નો જ ઉપયોગ કરવો અને તેનો ઓર્ડર જે ઝોનમાં કાર્યક્રમ હોય તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરે જ આપવો. તેમજ તેના બીલની જવાબદારી પણ તેમણે જ સંભાળવી.
આ અંગે ૮ ફેબ્રુઆરી ર૦ર૪માં મ્યુનિ. કમિશનરની રિવ્યુ મિટીંગમાં પણ ચર્ચા થઈ હતી જે મુજબ સરકારી કાર્યક્રમોમાં ફુડ અને પાણીની વ્યવસ્થા ઝોન લેવલથી જ કરવી. પરંતુ હેલ્થ ફુડ વિભાગના ડેઝગ્નેટેડ ઓફિસર ડો. ભાવિન જોષી આ મલાઈદાર કામ છોડવા તૈયાર નથી તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
મ્યુનિ. સુત્રોનું માનીએ તો ડો. ભાવિન જોષીને એએમસી જલ ને ઓર્ડર આપવા કરતા ખાનગી કોન્ટ્રાકટરોમાં વધુ રસ છે જેના કારણે ફલાવર શો માં માત્ર પાણીનું બીલ જ રૂ.૬પ લાખ આવ્યું હતું જેની ફાઈલ હજુ પણ કમિશનરને મંજુર કરી નથી. આ ઉપરાંત દરેક કાર્યક્રમમાં ફુડના બીલ પણ ઘણા જ વધારે આવે છે. કાંકરિયા કાર્નિવલ જેવા મોટા પ્રસંગમાં તેઓ બહારથી દૈનિક પ૦૦ કરતા પણ વધુ જગ માટે ઓર્ડર આપે છે.
ખરેખર તો તેમનું મુખ્ય કામ બિનઆરોગ્યપ્રદ આહારનો નાશ કરવા ભેળસેળ થતી રોકવી તેમજ સબ સ્ટાન્ડર્ડ મરી મસાલાનો ઉપયોગ ન થાય તેની તકેદારી રાખવાનું છે પરંતુ આ મહાશય આ બધા કામને કોરાણે મુકી મ્યુનિ. અને સરકારી કાર્યક્રમોમાં માત્ર ફુડ અને પાણીના ઓર્ડર આપવામાં જ ધ્યાન આપી રહયા છે.