મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં હીટવેવના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અલગ વ્યવસ્થા

શહેરના નાગરિકોને કાળઝાળ ગરમીથી રક્ષણ આપવા ૧૦૦ જેટલા એસોસીએશન મદદ કરવા તૈયારઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત વધી રહેલ ગરમીના પારા વચ્ચે મ્યુનિ. હોદ્દેદારો અને અધિકારીઓએ હીટ એકશન પ્લાનની મીટીંગ કરી હતી જેમાં કાળઝાળ ગરમીથી નાગરિકોને રક્ષણ મળી રહે તે માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા.આ બેઠકમાં શહેરની અલગ અલગ ૧૦૦ કરતા વધુ સંસ્થાના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી.
સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં હિટ એકશન પ્લાન અંગે યોજાયેલ મીટીંગમાં મેડીકલ એસોસીએશન, સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ, બિલ્ડર્સ, ફ્રુટ માર્કેટ એસોસીએશન વગેરેના પ્રતિનિધિઓએ હાજર રહી ગરમીની ઋતુમાં નાગરિકોને તમામ રીતે મદદરૂપ થવા તૈયારી દર્શાવી હતી.
જેમાં નાગરિકો માટે પાણીની પરબો તૈયાર કરવી, કર્મચારીઓ માટે શેડ બાંધવા, શ્રમિકો માટે છાશની વ્યવસ્થા કરવી જેવા કાર્યો કરવા માટે તત્પરતા દર્શાવી હતી.
શહેરના દરેક વોર્ડમાં ઓછામાં ઓછી રપ જેટલી પાણીની પરબો સામાજીક સંસ્થાઓની મદદથી ચાલુ કરવામાં આવે તે માટે અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સામાજીક સંસ્થાઓ તરફથી ઓઆરએસના પેકેટસ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ તમામ અર્બન સેન્ટરો પર ઓઆરએસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે તેમજ દરેક ઝોનમાં પાણીની મોબાઈલ પરબ શરૂ કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શારદાબેન, એસ.વી.પી. એલ.જી.હોસ્પિટલ તેમજ તમામ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરોમાં ગરમીને લગતા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી ૭૦ જેટલા ટ્રાફિક જંકશનો પર બપોરના સમયે સિગ્નલો બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ આંગણવાડીમાં ઓઆરએસ પેકેટની વ્યવસ્થા કરવામં આવી છે. બીઆરટીએસ અને એએમટીએસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મ્યુનિ. કોર્પો. સંચાલિત શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.