મ્યુનિસિપલ હોસ્પિટલોમા ઓપીડી ચાલુ રહી: દર્દીઓને સારવાર આપવામાં આવી
( પ્રતિનિધિ) અમદાવાદ, કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર થયેલ દુષ્કર્મના વિરોધમાં ગુજરાતના સરકારી અને ખાનગી તબીબો શનિવારે હડતાલ પર છે. આ દુર્ઘટનાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયા છે. અમદાવાદમાં સાંજે કેન્ડલ માર્ચ પર કરવામાં આવશે.
તબીબોની હડતાલના કારણે દર્દીઓને હાલાકી થઈ રહી છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોની પ્રથમ શિફ્ટમાં ઓપીડી ચાલુ રહી હતી અને દર્દીઓને સારવાર પણ આપવામાં આવી હતી.
ડે. મ્યુનિસિપલ કમિશનર બી.સી.પરમારના જણાવ્યા મુજબ શારદાબેન હોસ્પિટલમાં ઓ.પી.ડી.માં 11 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, 7 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમજ એક મેજર અને 7 માઇનોર ઓપરેશન કરવામાં આવ્યા છે.
વી.એસ.હોસ્પિટલમાં સવારે 8 થી 12 ઓ.પી.ડી.માં 165 દર્દીઓ અને ઇન્ડોરમાં 06 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. એલ.જી.હોસ્પિટલમાં ઓ.પી.ડી.માં 652, કેઝ્યુલટીમાં 85 તેમજ 6 દર્દીઓના ઓપરેશન થિયેટર કરી કુલ 644 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
જયારે એસ.વી.પી. હોસ્પિટલની ઓપીડીમાં118 નવા અને 316 જૂના દર્દીઓને તપાસવામાં આવ્યા છે. મ્યુનિસિપલ અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર રાબેતા મુજબ કામગીરી ચાલી રહી છે.