દબાણ હટાવવા AMCની ટીમ સાથે ઝઘડો કરી યુવકે શરીર પર પેટ્રોલ છાંટીને આત્મહત્યાનો કોશિશ કરી
હાઈકોર્ટના દબાણ પછી AMCએ ઠેર-ઠેર દબાણો અને ગેરકાયદે બાંધકામ દૂર કરાયા
(એજન્સી)અમદાવાદ, જાહેર રસ્તા પર દબાણો દૂર કરવા માટે ગુજરત હાઈકોર્ટે આદેશ કર્યા હતા જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકશન મોડ પર આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ ગઈકાલે ઠેર ઠેર રસ્તા પરના દબાણો દૂર કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી દબાણો દૂર કરવા માટેની ડ્રાઈવ એએમસી દ્વારા યોજવામાં આવી છે. એએમસીની સ્પેશિયલ ડ્રાઈવમાં પોલીસની પણ મદદ લેવાઈ રહી છે.
ગઈકાલે એએમસીના ઉત્તર ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમે સપાટો બોલાવ્યો હતો. એસ્ટેટ વિભાગે કાલુપુર બ્રિજથી લઈને મેમ્કો સર્કલ સુધી કાર્યવાહી કરી હતી જેમાં રસ્તા પર ગેરકાયદે દબાણ કરીને ઊભા રહેલા લારી ગલ્લાને ડિટેઈલ કર્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસની ટીમ પણ એસએમસીની સાથે રહી હતી.
આ પહેલાં એસએમસીની ટીમે આશ્રમ રોડ, લો-ગાર્ડન, કોમર્સ છ રસ્તા પાસે પણ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. દબાણો સિવાય જ્યાં ત્યાં પાર્ક કરેલા વાહનો પણ કોર્પોરેશનની ટીમ લોક મારી દીધા હતા. એસ્ટેટ વિભાગ પોતાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે એક ગલ્લાના માલકે પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જો કે, પોલીસે બળપ્રયોગ કરીને ગલ્લાના માલિકની ધરપકડ કરી લીધી હતી.
સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલા પીએસઆઈ ક્વાર્ટસમાં રહેતા ગૌરાંગ પટેલે શહેરકોટડા વિસ્તાર પોલીસ સ્ટેશનમાં ફિરોઝ શેખ (રહે.રમણલાલ ડાહ્યાલાલની ચાલી, સરસપુર) વિરૂદ્ધ આત્મતયા કરવાની કોશિશની ફરિયાદ કરી છે. ગૌરાંગ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર ઝોનની ઓફિસમાં એસ્ટેટ ટીડીઓ વિભાગમાં છેલ્લા દોઢ વર્ષથી ઈન્ડિયા કોલોની વોર્ડમાં ટાઉન ડેવલપમેન્ટ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે.
ગૌરાંગ પટેલની જવાબદારી ભયજનક મકાનો, બિનપરવાનગી મકાનો, જાહેર રસ્તા તથા જાહેર મિલકત પરના દબાણો દૂર કરવાની તેમજ એસ્ટેટ અને નગર વિકાસ ખાતાને લગતી કામગીરી કરવાની હોય છે.
ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોનું કડક અમલીકરણ કરવા તેમજ દબાણ અંગે પગલાં લેવા માટેના આદેશ કર્યા હતા. જેને આધારે ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા ડ્રાઈવ રાખવામાં આવી હતી. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમે દબાણની કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસ, શહેરકોટડા પોલીસની મદદ લીધી હતી.
કાલુપુર બ્રિજથી મેમ્કો ચાર રસ્તા સુધીના દબાણો હટાવવા માટેની કામગીરી ચાલી રહી હતી. સાંજે પાંચ વાગ્યાની આસપાસ અમદુપુરા ડૉ.આંબેડકર બ્રિજ નીચે આવતા જાહેર રસ્તા પર પાનનો ગલ્લો ચાલુ હતો. ગલ્લો ટ્રાફિકને અડચણરૂપ હોવાથી તેને દબાણની ગાડીમાં ભરવાનો એસ્ટેટ વિભાગના અધિકારીઓએ આદેશ આપ્યો હતો.
એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા ગલ્લાના માલિકને સામાન હટાવી લેવાનું સૂચન આપવામાં આવ્યું હતું. અધિકારીઓના સૂચન બાદ પણ ગલ્લાના માલિકે પોતાની મનમાની કરી હતી અને હું સામાન ખાલી નહીં કરું અને ગલ્લો નહીં લઈ જવા દઉં તેવું જણાવ્યું હતું. ગલ્લાનો માલિક એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સાથે માથાકૂથ કરીને બબાલ કરવા લાગ્યો હતો.
દરમિયાનમાં પોલીસે પણ દખલગીરી કરી હતી અને ગલ્લાના માલિકને સમજાવ્યો હતો. માલિક એક પણ વાત નહીં માનતા તેણે આત્મહત્યા કરવા માટેની ધમકી પણ આપી હતી. પોલીસ અને એસ્ટેટ વિભાગના કર્મચારીઓ કોઈ કાર્યવાહી કરે તે પહેલાં ગલ્લાનો માલિક પેટ્રોલ ભરેલી બોટલ લઈને આવ્યો હ તો અને પોતાના શરીર પર છાંટીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
પોલીસે બળ વાપરીને ગલ્લાના માલિકની અટકાયત કરી લીધી હતી. ગલ્લાના માલિકનું નામ ફિરોઝ શેખ છે અને તે સરસપુરમાં આવેલી રમણલાલ ડાહ્યાલાલની ચાલીમાં રહે છે. પોલીસે ફિરોઝ શેખની ધરપકડ કરી છે જ્યારે એસ્ટેટ વિભાગની ટીમે ગલ્લો ડિટેઈન કર્યો છે. ગઈકાલે ડ્રાઈવ દરમિયાન એએમસીએ સંખ્યાબંધ લારી ગલ્લા ડિટેઈન કર્યા હતા.