મ્યુનિ. કોર્પોરેશનને ઈમ્પેકટ કાયદા અંતર્ગત ૬૬ હજાર અરજી મળીઃ પ૦ હજારનો નિકાલ
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ગુડા -ર૦રર અંતર્ગત ઈમ્પેકટ ફી કાયદાની જાહેરાત કરવામાં આવી હતી.
રાજયની તમામ મહાનગરપાલિકાઓમાં આ કાયદાનો અમલ માત્ર ૬ માસ માટે કરવાનો હતો પરંતુ પુરતી સંખ્યામાં અરજીઓ ન મળતા કાયદાની અવધિમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સદર એક્ટ અંતર્ગત ૬૬ હજાર કરતા વધુ અરજીઓ મળી છે જે પૈકી લગભગ પ૦ ટકા અરજીઓ નામંજુર થઈ છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ઈમ્પેકટ કાયદા અંતર્ગત કોર્પોરેશનમાં કુલ ૬૬૧૩પ અરજીઓ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે આવી છે જે પૈકી ૧૭૩૧૯ કેસ મંજુર કરવામાં આવ્યા છે અને ૩૩પર૦ કેસ નામંજુર કરવામાં આવ્યા છે.
આમ લગભગ ૬૬ હજાર અરજીઓમાંથી પ૦ હજાર અરજીઓનો નિકાલ થઈ ગયો છે. જયારે ૧પર૯૬ અરજીઓનો કાર્યવાહી ચાલુ છે. ઈમ્પેકટ કાયદા અંતર્ગત કોર્પોરેશનને ૧૮ર.પ૩ કરોડની નોંધપાત્ર આવક થઈ છે. ઈમ્પેકટ કાયદા અંતર્ગત શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧૩૮પ૦ અરજીઓ મળી છે. જયારે મધ્યઝોનમાંથી ૪૩૦૧ અરજીઓ મળી છે. અમદાવાદ શહેર ગેરકાયદેસર બાંધકામોનું હબ બની ગયું છે.
શહેરના તમામ વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદેસર બાંધકામો થઈ રહયા છે અને જે તે સત્તાધારી પાર્ટી વખતો વખત આવા ભૂમાફિયાઓને આડકતરી રીતે પ્રોત્સાહન આપવા માટે ઈમ્પેકટ કાયદાની જાહેરાત કરે છે. ર૦૧ર વિધાનસભા ચૂંટણી પહેલા આવી જ રીતે ઈમ્પેકટ ફી કાયદાની જાહેરાત કરવામાં આવી હતી તે સમયે પણ તેની મુદત ૬ માસ રાખવામાં આવી હતી પરંતુ તે ૬ વર્ષે પૂર્ણ થઈ હતી.
ર૦૧રમાં જાહેર કરવામાં આવેલા ઈમ્પેકટ ફી કાયદા અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશનને ર લાખ ૪૩ હજાર અરજીઓ મળી હતી જે પૈકી ૧ લાખ ર૭ હજાર અરજીઓ મંજુર કરવામાં આવી હતી જયારે ૧ લાખ ૧૬ હજાર અરજીઓ લીફટ, પા‹કગ, સરકારી જમીન જેવા કારણોસર નામંજુર કરવામાં આવી હતી તે સમયે કોર્પોરેશનને આ કાયદા અંતર્ગત રૂ.૩પ૦ કરોડની નોંધપાત્ર આવક થઈ હતી.