Western Times News

Gujarati News

મ્યુનિ. અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે -૩પ વર્ષથી ચાલી રહેલો જમાલપુરની જમીનનો વિવાદ

મ્યુનિ. કોર્પો.એ ‘ગોળો-ગોફણ’ બંને ગુમાવ્યા: પ્રકાશ ગુર્જર (લીગલ ચેરમેન)

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં જમાલપુર વોર્ડ છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર બની ગયો છે તેનું મુખ્ય કારણ ભાજપના ધારાસભ્ય દ્વારા મ્યુનિ. કોર્પો.ની જમીન પર કબજો અને ગેરકાયદેસર બાંધકામો અંગે કરવામાં આવેલા આક્ષેપો છે.

મ્યુનિ. કમિશનરના અધ્યક્ષપદે મળેલી સંકલન સમિતિની બેઠકમાં પણ ધારાસભ્યએ જમાલપુરની કબાડી માર્કેટવાળી જમીન અંગે મુદ્દો ઉઠાવ્યો હતો તથા આગામી કમિટીમાં તે અંગેના તમામ પુરાવા સાથે હાજર રહેવા અંગે અધિકારીઓને તાકીદ કરી છે. સદર જમીન અંગે તપાસ કરતા તેમાંથી ૩પ વર્ષથી ચાલી રહેલી બેદરકારી અને ગેરરીતિના અવશેષો મળી આવ્યા છે.

આ અંગે જાણકાર સુત્રો પાસેથી પ્રાપ્ય માહિતી મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ સૌ પ્રથમ વખત ૧૯૮૭માં સત્તા મેળવી હતી. ૧૯૮૯માં મ્યુનિ. કોર્પોરેશને જમાલપુર ટીપી-૧ ફાઈનલ પ્લોટ નં.પ/૩ ને ૯૯ વર્ષના ભાડા પટે આપવા માટે ટેન્ડર જાહેર કર્યાં હતાં જેના માટે પ્રતિ ચો.મીટર રૂ.પ૦૦ના ભાવ નકકી કરવામાં આવ્યા હતાં.

મ્યુનિ. કોર્પોરેશનની જાહેરાતના પગલે તત્કાલીન કોર્પોરેટર ચુના માસ્તર તથા અન્ય બે થી ત્રણ લોકોએ ભાગીદારીમાં કુરેશ પાર્ક કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિમિટેડના નામથી પ્રતિ ચો.મી. રૂ.પરપના ભાવથી ટેન્ડર ભર્યું હતું જે હાઈએસ્ટ ભાવ હોવાથી કોર્પોરેશન દ્વારા તેમને ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું. મ્યુનિ. કોર્પો.ની શરત મુજબ પાર્ટીએ ઈએમડી પેટે રૂ.ર લાખ પ્રથમ હપ્તા પેટે રૂ.પ,પ૭,૮૧ર.પ૦/- તથા બીજા હપ્તા પેટે રૂ.૩,પ૭,૮૧ર.પ૦/- મળી કુલ રૂ.૧૧,૧પ,૯રપ/- જમા કરાવ્યા હતાં.

પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે પ્લોટ આપવામાં આવ્યો હતો તે પ્લોટ પર પહેલેથી જ દબાણ હતાં તેથી ઓફરદાર પાર્ટીએ કોર્પોરેશનને પત્ર લખી દબાણ ખુલ્લા કરી પ્લોટનો કબજો આપવા જણાવ્યું હતું. કોર્પોરેશન દબાણ ખુલ્લા કરે તે સમયે જ બાકી રહેતી રકમ કુરેશ પાર્ક દ્વારા ચુકવવામાં આવશે તેવો પણ ઉલ્લેખ હતો. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તે સમયે પ્લોટના દબાણ દુર કરવામાં આવ્યા ન હતાં

તેથી કુરેશ પાર્કના કર્તાહર્તાઓ દ્વારા ફરીથી ૧૯૯૮માં કમિશનરને પત્ર લખી જમીનમાં થયેલ ઝુંપડા દુર કરી પ્લોટનો ખાલી કબજો સોંપવા માંગણી કરી હતી. પરંતુ આ વખતે પણ કોર્પોરેશન દ્વારા દબાણ દુર કરવામાં આવ્યા ન હતાં. તેથી કુરેશપાર્ક દ્વારા મ્યુનિ. કોર્પોરેશન સામે ર૦૦૦ની સાલમાં દાવો કરવામાં આવ્યો હતો.

જેમાં વાદી અને પ્રતિવાદી વચ્ચેના કરારનો વિશિષ્ટ અમલ કરી વાદીની તરફેણમાં ૯૯ વર્ષના ભાડાપટે તબદીલ કરી રજીસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવા તથા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દાવાવાળી મિલકત ત્રાહિતને વેચાણ ગીરો ટ્રાન્સફર કે તબદીલ કરે કરાવે નહી તેવી દાદ માંગવામાં આવી હતી.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૭ માર્ચ ર૦૦૩ના રોજ કુરેશ પાર્ક હા.સો.લી.ને પત્ર લખવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૯૮૯માં રૂ.પરપ પ્રતિ ચો.મી.ના ભાવથી જમીન આપવામાં આવી હતી જે પેટે કુરેશપાર્ક દ્વારા રૂ.૧૧,૧પ,૬રપ/- જમા કરાવવામાં આવ્યા છે. મ્યુનિ. કમિશનર દ્વારા ર૪ ફેબ્રુઆરી ર૦૦૩ના રોજ આપવામાં આવેલી મંજુરી મુજબ બાકી રહેલ રકમ જમીનના પ્રવર્તમાન ભાવ રૂ.૧પ૦૦ પ્રતિ ચો.મી. લેખે ગણવાની રહેશે.

અરજદાર આ રકમ જમા કરાવે તો જેતે સ્થિતિમાં તેમજ કોર્ટમાં કરેલ દાવા પરત લેવાની શરતે પ્લોટ આપવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનના આ પત્રની શરતોનો કુરેશપાર્ક કો.હા.સોસાયટી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં પણ મ્યુનિ. એસ્ટેટ વિભાગ અને લીગલ વિભાગના અધિકારીઓ નિષ્ક્રિય સાબિત થયા હતાં. ત્યારબાદ સીટી સિવિલ કોર્ટ દ્વારા આ કેસ અંગે ૩૦ ડીસેમ્બર ર૦૧૭ના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો

જે કુરેશપાર્કની તરફેણમાં રહયો હતો. સીટી સિવિલ કોર્ટના હુકમના પેરા બી મુજબ મ્યુનિ. કોર્પોરેશને જીપીએમસી એક્ટ હેઠળની કાર્યવાહી કરી ૩ માસની અંદર પ્લોટ ખુલ્લો કરાવે ત્યારબાદ ડેવલોપમેન્ટ કરાર કરાવી ટેન્ડરની શરતો અનુસાર રજીસ્ટ્રેશન કરાવે જો તેમ કરવામાં ચુક થાય તો કોર્ટના રજીસ્ટ્રારને ઉક્ત ડેવલોપમેન્ટ કરાર રજીસ્ટર કરાવવા માટે નિમણુંક કરવામાં આવશે.

પેરા સી મુજબ વાદીએ રૂ.૯,૧પ,૯રપ/- ઈરીવોકેબેલ બેંક ગેરંટી મ્યુનિ. કોર્પોરેશનને તરફેણમાં આપવાની રહેશે જેનુ વાદી દ્વારા પાલન કરવામાં આવ્યું છે. પેરા ડી મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તેના અધિકારીઓ એન્જીનીયર, સુપરવાઈઝર કે અન્ય કોઈની પણ તરફેણમાં જમીન તબદીલ કરી શકશે નહી.પેરા ઈ માં દાવાનો ખર્ચ મ્યુનિ. કોર્પોરેશને વાદીને આપવાનો રહેશે તેમ જણાવ્યું હતું.

સીટી સિવિલ કોર્ટના કેસ નં.૧૮પ૯/ર૦૦૦ માં આવેલ ચુકાદા સામે કોર્પોરેશન દ્વારા અપીલ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઈકોર્ટમાં સિવિલ એપ્લીકેશન નં.૧/ર૦૧૮ ઈન ફર્સ્ટ અપીલ નં.૧પ૩૯/ર૦૧૮ દાખલ કરવામાં આવી હતી. જેમાં ડીવીઝન બેંચ દ્વારા કોર્પોરેશનને રૂ.૩૦ લાખની રકમ જમા કરાવવા આદેશ કર્યો હતો તેમજ સીટી સિવિલ કોર્ટ દ્વારા ત્રાહિત પાર્ટીને કે અન્ય કોઈપણ વ્યક્તિના નામથી પ્લોટ ટ્રાન્સફર ન કરવાનો જે હુકમ કરવામાં આવ્યો હતો

તેને પણ માન્ય રાખવામાં આવ્યો હતો. આ અંગે લીગલ કમિટિ ચેરમેન પ્રકાશ ગુર્જરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જે બાબતનો નિકાલ ૩પ દિવસમાં થવો જોઈએ તેના માટે કોર્પોરેશનના એસ્ટેટ અને લીગલ વિભાગે ૩પ વર્ષ કર્યાં છે આ કેસમાં કોર્પોરેશને ગોળો અને ગોફણ બંને ગુમાવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનને પ્લોટ પેટે રૂ.૧૧ લાખ મળ્યા છે જેની સામે કોર્ટમાં રૂ.૩૦ જમા કરવા પડયા છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે કોર્પોરેશનને આર્થિક નુકશાન થઈ રહયું છે તથા આંગળીના વેઢે ગણી શકાય તેટલા ઝુંપડા ૩પ વર્ષથી દુર કર્યાં નથી.

જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ટીપી ૧ નો ફાઈનલ પ્લોટ નં.પ/૩ કોર્પોરેશને વર્ષો પહેલા જ કુરેશપાર્કને આપ્યો છે જેના કારણે ર૦૧૬-૧૭માં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ સ્થળે પાર્ટી પ્લોટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી અને રૂ.ર કરોડ ફાળવવામાં આવ્યા હતા

તે જાહેરાત અને બજેટ બંને અભરાઈએ મુકવાની ફરજ પડી હતી. આ કેસમાં મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ જણાઈ આવે છે જો આ જગ્યા કોર્પોરેશનની હોય તો હજી સુધી તેની ફરતે દિવાલ, દરવાજો કે બોર્ડ શા માટે કરવામાં આવ્યા નથી તેવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.