AMC સંચાલીત હોસ્પિટલો દિવાળીના તહેવારો દરમિયાન 24 કલાક ચાલુ રહેશે
ઈજનેર વિભાગમાં નવી જગ્યાઓ ઉઘાડવામાં આવશે ઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, દિવાળીના તહેવારો દરમિયાન શહેરીજનોને તકલીફ ન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો ર૪ કલાક ચાલુ રહેશે આ ઉપરાંત ૧૭૦ બગીચાઓમાં વોક વે ફરીથી રીપેર કરવા અને અધિકારીઓ દ્વારા નિકાલ કરવામાં આવ્યા વિના જ ફરિયાદો બંધ કરવામાં આવતી હોવાની ચર્ચા સ્ટેન્ડીગ કમિટિમાં થઈ હતી.
મ્યુનિ. સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ર૪૦ પૈકી ૧૭૦ બગીચાઓમાં વોક વે તૈયાર કરવામાં આવ્યા છે આ બગીચાઓ જુના હોવાથી કેટલાક સ્થળે વોક વે ના લેવલીંગ ખરાબ થઈ ગયા છે તેથી તમામ ૧૭૦ બગીચાઓમાં અંદાજે ૪૦ હજાર રનીગ મીટર વોક વે ના લેવલીંગ કરવામાં આવશે તેમજ રોલરની કામગીરી પણ કરવામાં આવશે.
દિવાળીના તહેવારો આવી રહયા છે તેથી રજાઓ દરમિયાન નાગરિકોને હાલાકી ન થાય તે માટે મ્યુનિ. હોસ્પિટલોમાં તમામ તબીબો ર૪ કલાક સ્વીફટ વાઈઝ હાજરી આપશે. નગરી હોસ્પિટલમાં પણ તબીબોને હાજર રહેવા માટે સુચના આપવામાં આવી છે. શહેરમાં રોડ રિસરફેસીંગના કામોમાં ઝડપ આવી રહી છે. છેલ્લા બે દિવસ દરમિયાન આસ્ટોડિયા દરવાજા અને લાંભા મંદિર પાસે વાઈટ ટોપીગ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે જે કામો પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
રાત્રિના સમય દરમિયાન રોડ કામ થતાં હોય તે સમયે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની હાજરી ફરજીયાત છે. તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરોને પીએમસીની હાજરી ચકાસવા માટેની સુચના આપવામાં આવી છે.
શહેરના નાગરિકો ૧પપ, ૩૦૩ પર ફરિયાદ કરે છે કેટલાક કિસ્સાઓમાં આવી ફરિયાદોના નિકાલ થતાં નથી તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા આ ફરિયાદો બંધ કરવામાં આવે છે તેથી આવી ફરિયાદો ધ્યાને આવે તો તેને રીઓપન કરવાની સત્તા ઈ ગવર્નન્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરને સોંપવામાં આવી છે. મ્યુનિ. કોર્પો.ના ઈજનેર વિભાગમાં નવી જગ્યાઓ ખોલવામાં આવશે
તે રાજય સરકારની મંજુરીની અપેક્ષાએ ભરવામાં આવશે જેમાં એડીશનલ સીટી ઈજનેરની ૦૩, ડેપ્યુટી સીટી ઈજનેરની ૦૬, એડીશનલ ચીફ ઈજનેરની ૦૧ અને ડેપ્યુટી સીટી ઈજનેરની અન્ય ૦ર જગ્યા ભરવામાં આવશે. આ ઉપરાંત આસીસ્ટન્ટ ઈજનેરની ર૪, ટેકનીકલ સુપરવાઈઝરની ર૪ જગ્યાઓ પણ ભરવામાં આવશે.
આ જગ્યાઓ ઈજનેર અને લાઈટ વિભાગમાં ભરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૩ અને વર્ગ-૪ ના પગાર ગ્રેડમાં કાયમી કર્મચારીની ઉપલી ગ્રેડમાં સીલેકશનથી નિમણુંક કરવામાં થાય ત્યારે તેઓને પે પ્રોટેકશન મળી તે હેતુથી એક વર્ષના પ્રોબેશન ઉપર ગ્રેડમાં નિમણુંક આપવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.