AMC દ્વારા મણિનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન
નાગરિકોના આરોગ્યને અગ્રતા આપતી અમદાવાદ મહાનગરપાલિકા-સ્થાનિક ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટે મુલાકાત લઈને માર્ગદર્શન આપ્યું
અમદાવાદ શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેમજ નાગરિકો રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યની દરકાર લઈ સાવચેત બને તે માટે અમદાવાદ મહાનગરપાલિકા વિવિધ આયોજનો કરી રહી છે.
ખાસ કરીને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને રોકવા માટે મહાનગરપાલિકા સફાઈ, દવાનો છંટકાવ તેમજ મેડીકલ કેમ્પ સહિતના વિવિધ પગલાં ભરી રહી છે. જે શૃંખલામાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આરોગ્ય કર્મીઓએ નાગરિકોના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ કરી તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમૂલભાઇ ભટ્ટે પણ આ કેમ્પની મુલાકાત લઈને સ્થાનિકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નાયબ આરોગ્ય અધિકારી ડૉ. તેજસ શાહ અને મદદનીશ આરોગ્ય અધિકારી ડૉ. સ્વાતિબેન આચાર્ય તથા તેમની સમગ્ર ટીમે મેડીકલ કેમ્પના સફળ આયોજન માટે જહેમત ઉઠાવી છે.