AMC દ્વારા ‘માટીને નમન, વીરોને વંદન’ થીમ અંતર્ગત શહેરનો અમૃત કળશ તૈયાર કરાયો

મેરી માટી, મેરા દેશ : માટીને નમન, વીરોને વંદન-શહેરના સાતેય ઝોનમાંથી માટીના કળશ એકઠા કરી મુખ્ય ‘અમૃત કળશ’ તૈયાર કરાયો
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અમદાવાદ જિલ્લામાં પણ ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ગ્રામ પંચાયતથી લઈને મહાનગરના દરેક વોર્ડ ખાતે વીર શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અમદાવાદ શહેરના તમામ 48 વોર્ડમાં ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સાથે સાથે ‘માટીને નમન, વીરોને વંદન’ થીમ પર શિલાફલકમનું નિર્માણ કરાયું હતું અને માટીના કળશ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
આજે પરિમલ ગાર્ડન ખાતે શહેરના સાતેય ઝોનમાંથી તૈયાર કરાયેલા માટીના કળશને એકત્ર કરી મહાનગરનો મુખ્ય એક ‘અમૃત કળશ’ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ હાથમાં મુઠ્ઠીભર માટી લઈ પ્રતિજ્ઞા લીધી હતી અને સેલ્ફી લઈ વેબસાઈટ પર અપલોડ પણ કરી હતી. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે શહેરના મેયર શ્રી કિરીટભાઇ પરમારે જણાવ્યું હતું કે, ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત શહેરના તમામ 48 વોર્ડમાં જનભાગીદારી થકી ભવ્ય અને યાદગાર ઉજવણી કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રજાના સહિયારા પ્રયાસથી ઠેર ઠેર રાષ્ટ્રભક્તિ છવાઈ.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, ડેપ્યૂટી મેયર શ્રીમતી ગીતાબહેન પટેલ તથા કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને વિવિધ ઝોનમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.