સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા માટે AMC ‘માસ્ટર પ્લાન’ બનાવાશે
અમદાવાદના રહેવાસીઓને જળબંબાકારની સ્થિતિમાંથી રાહત આપવા મ્યુનિ. કોર્પો. સક્રિય
હાલની ૯પ૦ કિ.મી. લાંબી સ્ટ્રોમ વોટર લાઈનમાં કરોડોનું આંધણ પછી પણ વરસાદી પાણી ભરાય છે
(એજન્સી)અમદાવાદ, શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસે છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવાની સ્થિતિ લોકો પરેશાન થાય છે. ચોમાસામાં નાગરિકોને જળબંબાકારની સ્થિતિથી હાલાકી ભોગવવી પડતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ ઓછામાં ઓછા વિસ્તારોમાં વરસાદી પાણી જમા થાય તે દીશામાં ભારે જહેમત ઉઠાવે છે.
જેના પગલે અગાઉની જેમ હવે કલાકો સુધી વરસાદી પાણી જમા થતાં નથી અને તેનો ઝડપભેર નિકાલ પણ થઈ રહ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન આશીર્વાદરૂપ બનતી આવી છે અને હવે મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા માટે માસ્ટર પ્લાન બનાવવાનો આદેશ સંબંધિત અધિકારીઓને અપ્યો છે. આ બાબત ચોક્કસ આગામી ચોમાસાઓમાં લોકોની હાડકારીમાં ખાસ્સો એવો ઘટાડો કરશે.
અત્યાર સુધી શહેરમાં વરસાદ રિયાસો હતો પરંતુ ગઈકાલે મેઘરાજા વરસી પડયા હતા. શહેરમાં બે તબક્કામાં સારો એવો વરસાદ પડયો હતો. વરસાદને લઈ લોકોમાં જે લાંબા સમયની આતુરતા હતી તેનો તો ગઈકાલે અંત આવ્યો હતો અને મેમ્કોમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ માત્ર બપોરના બારથી બે વાગ્યા સુધીના સમયગાળામાં ખાબકયો હતો. જો કે, અન્ય કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધારે રહેવાથી વરસાદી પાણી ફરી વળ્યાં હતા.
મ્યુનિ. તંત્રના પ્રિ-મોન્સૂન એકશન પ્લાન હેઠળના સર્વેમાં શહેરમાં કુલ ૧૩૦ વોટર લોગિંગ સ્પોટ શોધી કાઢવામાં આવ્યા છે. આ વોટર લોગિંગ સ્પોટમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૩૯ સ્પોટ મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૩ સ્પોટ, ઉત્તર ઝોનમાં ૧૧ સ્પોટ, પશ્ચિમ ઝોનમાં ૧૯ સ્પોટ, દક્ષિણ ઝોનમાં ર૦ સ્પોટ અને મધ્ય ઝોનમાં એક સ્પોટને ઓળખી કાઢવામાં આવ્યા છે.
ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના ત્રાસમાંથી પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળની સઘન કામગીરીથી લોકોને રાહત મળી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈનની સાફ-સફાઈ કરવી કે જે તે વોટર લોગિંગ સ્પોટની સ્થિતિના આધારે નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવી જેવા કામોને તંત્રએ અગત્યતા આપી છે.
હવે મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે થઈને નવી સ્ટ્રોમ વોટર લાઈન બિછાવવાની દિશામાં ખાસ ગંભીર બન્યા છે. શહેરમાં ૩૬૦૦ કિલોમીટરના રોડની સામે હાલમાં ૯પ૦ કિલોમીટરની સ્ટ્રોમ લાઈન નખાઈ છે. સ્ટ્રોમ વોટર લાઈનના મામલે કમિશનર એમ.થેન્નારસને સંબંધિત ઈજનેર વિભાગને ખાસ માસ્ટર પ્લાન તૈયાર કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
એવું કહી શકાય કે શહેરમાં નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની કામગીરીને તંત્ર દ્વારા ચોમાસા બાદ જોશભેર હાથ ધરાય તેવી શક્યતા છે જેના પગલે હાલની ૯પ૦ કિ.મી. લાંબી સ્ટ્રોમ વોટર લાઈનમાં ખાસ્સો એવો વધારો થઈ શકે છે. શહેરમાં અનેક નવા વિસ્તારોમાં સમાવેશ થયો છે અને આ નવા વિસ્તારોમાં પણ વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન જરૂરી બની છે.