અમદાવાદ મ્યુનિ. બોર્ડમાં મેયરની અણઆવડત જાહેર થઈ હોવાની ચર્ચા

મેયરને પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન શું તે જ ખબર ન હતી
ચાંદખેડાના મહિલા કોર્પોરેટર રાજેશ્રીબેને રિસર્ચ એકાઉન્ટ અને અન્ય એક એકાઉન્ટ અંગે પુછતા મેયર ફરી એક વખત દ્વિધામાં પડી ગયા હતા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં શહેર મેયર ની અણઆવડત જોવા મળી હતી વિપક્ષ કરવામાં આવતા આક્ષેપો અને દલીલો સામે મેયર તદ્દન નિરૂત રહેતા હતા અને એક વખત તો મ્યુનિ. સેક્રેટરીની પણ મદદ લેવાની ફરજ પડી હતી.
મ્યુનિ. કોર્પોરેશનની સોમવારે મળેલી માસિક સામાન્ય સભાના જીરો અવર્સ દરમિયાન ચર્ચા કરતા વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન ઉઠાવ્યો હતો.
ત્યારે મેયરને પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન શું તે જ ખબર ન હતી તેથી વિપક્ષી નેતાએ આ બાબતે સેક્રેટરીને પુછવા જણાવ્યું હતું અને મ્યુનિ. સેક્રેટરીએ તેમના સ્થાનેથી ઉભા થઈને મેયરને આ બાબતની સમજ આપી હતી તેમ છતાં મેયરે પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન ફગાવી દઈએ છીએ
તેમ કહેતા તમામ કોર્પોરેટરો અને અધિકારીઓ અચંબામાં પડી ગયા હતાં કારણ કે પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન માટે સ્પષ્ટ જવાબ આપવો જરૂરી બને છે. તેમના આવા વલણ સામે વિપક્ષી નેતાએ ફરી એક વખત જણાવ્યું હતું કે તમે બજેટ ચર્ચામાં પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન અંગે ના કહો છો અને માસિક સામાન્ય સભામાં પણ ના કહો છો તો પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશનનું મહત્વ શું તે સમજવું જરૂરી બને છે
તેવી જ રીતે ચાંદખેડાના મહિલા કોર્પોરેટર રાજેશ્રીબેન કેસરીએ રિસર્ચ એકાઉન્ટ અને અન્ય એક એકાઉન્ટ અંગે પુછતા મેયર ફરી એક વખત દ્વિધામાં પડી ગયા હતા તે સમયે તેમની વ્હારે કમિશનર આવ્યા હતાં અને કમિશનરે આ બાબતે ચર્ચા કરતા મેયરને રાહત થઈ હતી.
મ્યુનિ. બોર્ડમાં વિપક્ષના આકરા વલણ સામે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી જવાબ આપી રહયા હતા અને મેયરને બચાવવા પ્રયત્ન કરતા હતા પરંતુ તે સમયે પણ અધ્યક્ષસ્થાનેથી મેયરે સ્ટેન્ડિગ ચેરમેનને બચાવ કરવા બદલ આભાર વ્યકત કરવાને બદલે તેને બેસી જવા જણાવ્યું હતું તે બાબત પણ થોડી અજુગતી લાગી રહી હતી.